સિદ્ધપુરમાં બિમાર પુત્રની દવા માટે પિતા હત્યારો બન્યો, 1500ની લૂંટ બાદ મહિલાની હત્યા કરી
સિદ્ઘપુર, 31 ઓગસ્ટ 2024, જિલ્લાના લુખાસણ ગામે ગત જૂલાઈ મહિનામાં મળેલા મહિલાના મૃતદેહ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગામના જ આરોપીએ પુત્રની દવા કરાવવા માટે મહિલાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. મહિલા આરોપીને ઓળખી જતાં બદનામીના બીકે આરોપીએ મહિલાની હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ફરાર થયેલા આરોપીને પોલીસ 40 દિવસથી શોધતી હતી. ગઇકાલે આરોપીએ ઘરે આવતાં સમગ્ર મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
પોલીસે આરોપીની પુછપરછ કરતાં ભાંડો ફૂટ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે ગત 21 જૂલાઈના રોજ મંદિર પાસે શ્રીફળનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાની શંકાસ્પદ હાલતમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે આ અંગે પહેલા અકસ્માતે મોત અને બાદમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપીને પકડવા તપાસ દરમિયાન સી.સી.ટી.વી. ફૂટેજ, ડોગ-સ્કવોડ, એફએસએલ, અદ્યતન ટેક્નિકલ સિસ્ટમ સહિત અમદાવાદ પોલીસ ટીમની મદદ લેવામાં આવી હતી.પોલીસને આરોપીની કોઇ ભાળ મળી નહોતી.ગઇકાલે ગામનો જ કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકિ 40 દિવસ બાદ ઘરે આવ્યો હતો. જેથી પોલીસને આ કલ્પેશ પર શંકા જતાં તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.
મહિલા આરોપીને ઓળખી જતાં હત્યા કરી હતી
પોલીસની પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને પોલીસ આગળ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે પોતાનો પુત્ર સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ હોવાથી પોતાને પૈસાની ખૂબ જ જરૂર હતી. તેને કોઇ પૈસા આપતું ન હોવાથી તેણે ગામના મંદિર પાસે શ્રીફળનું વેચાણ કરતી મહિલા કેશરબેન રાવળને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.એ દિવસે છુપાઇને અચાનક કેશરબહેનની પાછળથી હુમલો કર્યો હતો. કેસરબહેને બૂમાબૂમ કરતાં આરોપીએ તેમની હત્યા કરી હતી અને બાદમાં સાડીથી એક છેડો ગળામાં તેમજ બીજો છેડો બાવળના ઝાડ પર ડાળીએ બાંધી દઈ હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.