દેશમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામિનાથનનું 98 વર્ષે નિધન
ચેન્નઈઃ ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા મનાતા એમ.એસ. સ્વામિનાથનનું આજે 28 સપ્ટેમ્બરે 98 વર્ષની વયે નિધન થયું હતું. ડાંગર અંગે તેમણે કરેલા અસાધારણ સંશોધનને કારણે ચોખાની વિવિધ જાતના ઉત્પાદનમાં અસાધારણ વધારો થયો હતો જેને કારણે દેશના ગરીબ ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરી હતી.
1960ના દાયકાથી નિરંતર દેશમાં જ્યારે પણ કૃષિલક્ષી સુધારાની વાત થાય ત્યારે એમ.એસ. સ્વામિનાથનનું નામ અચૂક લેવું પડે અને ખેતીને લગતા કોઇપણ કાયદાની વાત આવે ત્યારે સ્વામિનાથન સમિતિના અહેવાલની ચર્ચા આપે જ કૃષિ નિષ્ણાતો અને સરકાર કરે છે.
1961થી 1972 દરમિયાન ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયેલા સ્વામિનાથને ત્યારબાદ દેશ અને વિદેશની કૃષિને લગતી અનેક સંસ્થા સાથે સંકળાઈને ખેતીવાડી અને ખેડૂતોના જીવનમાં સુધારો લાવવા અસાધારણ કામગીરી કરી હતી.
વર્ષ 2000ની આસપાસ દેશમાં ખેડૂતોના આપઘાતના કિસ્સામાં અસાધરણ વધારો થયો ત્યારે તેનાં કારણો અને ઉપાયોની સમીક્ષા કરવા માટે 2004માં તેમના વડપણ હેઠળ ખેડૂતો માટેના રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવી હતી. અને ત્યારે એ ડૉ. સ્વામિનાથન જ હતા જેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કૃષિ પેદાશો પરનો ટેકાનો ભાવ ઉત્પાદનની સરેરાશ કિંમતના ઓછામાં ઓછા 50 ટકા હોવો જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. સ્વામિનાથનને ભવ્ય અંજલી આપતા જણાવ્યું કે, “ડૉ. એમ.એસ. સ્વામિનાથનજીના નિધનથી અત્યંત ખેદ અનુભવું છું. આપણા દેશના ઇતિહાસમાં અત્યંત નાજૂક સમયે તેમની અસાધારણ કામગીરીને કારણે કૃષિ વ્યવસાયમાં સંકળાયેલા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું તથા આપણો દેશ ખાદ્યાન્નના ક્ષેત્રમાં સુરક્ષિત બની શક્યો હતો. ખેતીના ક્ષેત્રમાં તેઓ અનેક લોકોના પ્રેરણામૂર્તિ બની રહ્યા હતા. તેમના પરિવારને મારા તરફથી સાંત્વના પાઠવું છું, ઓમ શાંતિ.”
વડાપ્રધાન ઉપરાંત દેશના ટોચના તમામ રાજકારણી તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ કૃષિ વિજ્ઞાની ડૉ. સ્વામિનાથનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
એમ.એસ. સ્વામિનાથન એવા ટૂંકા નામે ઓળખાતા આ મહાન કૃષિ વિજ્ઞાનીનું આખું નામ મનકોમ્બુ સંવાસિવન સ્વામિનાથન હતું. તેમનો જન્મ તમિલનાડુના તંજવુર જિલ્લામાં 1825ની સાતમી ઑગસ્ટે થયો હતો. ડૉ. સ્વામિનાથને આજે 28 સપ્ટેમ્બર, 2023ના રોજ 98 વર્ષની વયે ચેન્નઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચોઃ કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવવા કૃષિમંત્રીએ કરી જાહેરાત