રાજકોટમાં એક્ટિવાને ટેમ્પોએ ઉલાળતા પિતાનું ઘટનાસ્થળે મોત, પુત્રીને ઈજા


રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખોડિયાર હોટેલ નજીક સર્વિસ રોડ પર ટાટા ૪૦૭ ટેમ્પોવાહનની ઠોકરે એક્ટીવા ચડી જતાં ચાલક કાંગશીયાળીની સીમમાં રહેતાં વૃધ્ધ અને પાછળ બેઠેલા તેમના દિકરીને ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આ વૃધ્ધે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે પિતા પુત્રી રાજકોટ ગયા હતા અને ત્યાંથી ઘરે પરત જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
સ્કુટરને ટેમ્પોએ પાછળથી ટક્કર મારી
મળતી માહિતી મુજબ, કાંગશીયાળીની સીમમાં આસ્થા ગ્રીનસીટી સોસાયટી બલોક નં.137માં દિકરી, જમાઇ સાથે રહેતાં દિપકભાઇ લીલાધરભાઇ દવે (ઉ.વ.64) ગઇકાલે એક્ટીવા જીજે 03 એફપી 9456માં દિકરી રીધ્ધીબેનને બેસાડી રાજકોટ પેમેન્ટના કામ માટે આવ્યા હતાં. રાજકોટથી બંને પરત કાંગશીયાળી ઘરે જતા હતાં ત્યારે ગોંડલ રોડ ખોડિયાર હોટેલથી આગળ કલ્પન સોસાયટી તરફ જવાના રસ્તે ટોયોટાના શો રૂમ સામે સર્વિસ રોડ પર પહોંચતા ટાટા 407 વાહન નં. જીજે 03 બીવાય 3993ના ચાલકે એક્ટીવાને ઉલાળી દીધુ હતું.
જમાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ
આ કારણે એક્ટીવાના ચાલક દિપકભાઇ અને પાછળ બેઠેલા દિકરી રિધ્ધીબેન ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત દિપકભાઇ દવેને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં હેડકોન્સ. એમ. એમ. ડાભીએ મૃતકના જમાઇ આસ્થા ગ્રીનસીટી કાંગશીયાળીમાં રહેતાં પ્રતિકભાઇ દિનેશભાઇ જોશી (ઉ.36)ની ફરિયાદ પરથી ટાટા ૪૦૭ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર ઘરે બેઠા ઓટો પાર્ટસના સેલ્સમેન તરીકે કામ કરતાં હતાં. સંતાનમાં ત્રણ દિકરીઓ છે.