રાજકોટમાં રાહદારીને બચાવવા જતાં પિતા પુત્રનું મૃત્યુ, બાઈક સ્લીપ થતાં ટ્રક નીચે કચડાયા
રાજકોટ, 29 જાન્યુઆરી 2024, શહેરમાં સંતકબીર રોડ પર બાઈક લઈને જતાં પિતા-પુત્ર રાહદારીને બચાવવા જતાં ટ્રકના ટાયર નીચે કચડાઈ ગયા હોવાની ઘટના બની હતી. બંનેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ ગંભીર અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા રોડ પર એકઠાં થઈ ગયા હતાં. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
રાહદારીને બચાવવા જતાં પિતા પુત્રનું મૃત્યુ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના સંતકબીર રોડ પર બાઈક લઈને પસાર થઈ રહેલા પિતા અને પુત્ર રાહદારીને બચાવવા જતાં તેમનું બાઈક ખાડામાં પડવાથી સ્લીપ થઈ ગયું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકનું ટાયર બંને પરથી પસાર થઈ જતાં પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.મૃતક શૈલેષભાઈ પરમાર સંત કબીર રોડ પર પોતાના ઘરે જ ચેઇન કટિંગ કરીને મજૂરી કામ કરતા હતા. મૃતક અજય પરમાર સુરત એલ.એન.ટીમાં નોકરી કરતો હતો.
બહેનના લગ્નમાં આવેલો ભાઈ મૃત્યુ પામ્યો
કૌટુંબિક બહેનનાં લગ્ન હોવાના કારણે અજય પરમાર સુરતથી રાજકોટ આવ્યો હતો. બુધવારે પિતરાઈ બહેનનાં લગ્ન છે, કાલે મંડપ મુહૂર્ત હતું.મૃતકના પિતરાઈ ભાઈ હિતેષ પરમારે જણાવ્યું હતું કે, બંને બાપ-દીકરો સવારે 8થી 9 વાગ્યાના ગાળામાં યાર્ડ નગર જતા હતા, જોકે બાઈક સ્લિપ થતાં પાછળ આવતા ટેન્કરના ટાયર નીચે આવી ગયા ને ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. દીકરો સુરત એલ.એન.ટી.માં નોકરી કરે છે. સુરતથી રાજકોટ કાકાની દીકરીનાં લગ્નમાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃરાજકોટમાં માતાએ 9 માસની બાળકીને એસિડ પીવડાવી પોતે જીવન ટૂંકાવ્યું