ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં વેપારી પર પિતા-પુત્રોએ તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો; ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડાયો

Text To Speech

પાલનપુર : ડીસામાં મંદિર પાસેથી કચરો સાફ કરાવવા બાબતે થયેલી બોલાચાલીમાં પિતા-પુત્રો સહિત ચાર શખ્સોએ તલવાર અને પાઇપ વડે વેપારી પર હુમલો કર્યો છે. જેમાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડી હુમલો કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો મયુર તુલસીભાઈ સોલંકી કપચીનો વ્યાપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ નિયમિત રૂપે ઘરેથી નીકળી ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જાય છે. ગઈકાલે પણ તેઓ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે મંદિર પાસે કચરો જોતા સામે ગલ્લો ચલાવતા દિપકભાઈ રાજપૂતને સફાઈ કરવા બાબતે કહ્યું હતું. જોકે વાત વાતમાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ બંને ત્યાંથી નીકળી ગયા હતા.

બાદમાં બપોરના સમયે મયુર સોલંકી પંચાલ સમાજની વાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે દીપક રાજપુત તેનો ભાઈ ચિરાગ રાજપુત, મિલન તથા તેના પિતા હસમુખ રાજપૂત સવારે મંદિરમાં થયેલી માથાકૂટની અદાવત રાખી હુમલો કર્યો હતો. તલવાર અને પાઇપ વડે હુમલો કરતા મયુરને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મયુરને છોડાવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત મયુરને તેના પરિવારજનોએ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જે અંગે ઈજાગ્રસ્તે હુમલો કરનાર ચારેય પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો : વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

Back to top button