આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પેલેસ્ટાઈનના પ્રમુખ મહમૂદ અબ્બાસ પર ઘાતક હુમલો, કાફલા પર ગોળીબાર

  • પેલેસ્ટાઇનના પ્રમુખના કાફલા પર ગોળીબાર
  • સન ઑફ અબુ જંદાલ નામના આતંકવાદી સંગઠને જવાબદારી લીધી
  • ઈઝરાયેલ વિરુદ્ધ યુધ્ધની ઘોષણા કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું

પેલેસ્ટાઇનઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 33 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના પ્રમુખ મહમૂદ અબ્બાસ પર સન ઑફ અબુ જંદાલ નામના આતંકવાદી જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર આતંકવાદીઓએ પેલેસ્ટાઈનના પ્રમુખ મહમૂદ અબ્બાસના કાફલાની કાર પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદી સંગઠન સન ઑફ અબુ જંદાલ દ્વારા અબ્બાસને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતું. આ આતંકવાદી સંગઠને અબ્બાસને ધમકી પણ આપી હતી કે જો તે આમ નહીં કરે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ગઈકાલે આ સમયમર્યાદા પૂરી થયા પછી અબ્બાસના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પેલેસ્ટાઈનના પ્રમુખનો આબાદ બચાવ થયો હતો. આ હુમલાની જવાબદારી સન ઑફ અબુ જંદાલે લીધી છે.

આતંકવાદી હુમલાનો વીડિયો વાયરલ

આતંકવાદી જૂથના હુમલાખોરો દ્વારા પ્રમુખના કાફલા પર થયેલા હુમલાનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે સન ઑફ અબુ જંદાલના આતંકવાદીઓ અબ્બાસના કાફલા પર ફાયરિંગ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર કેટલાક બંદૂકધારી એક ઘરની સામે પાર્ક કરેલા વાહનની આસપાસ હાજર હતા. હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી ખુલ્લામાં હાજર અબ્બાસના એક અંગરક્ષકને વાગી હતી જેના પછી તે જમીન પર પડી ગયો હતો.

ગઈકાલે ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે તેના સૈનિકો હવે ગાઝા શહેરના આંતરિક વિસ્તારોમાં હમાસ સામે લડી રહ્યા છે, ત્યારબાદ યુદ્ધ વધુ તીવ્ર બનવાનો ભય વધી ગયો છે.

ઈઝરાયેલ ગાઝા પર કબજો કરવા માંગે છે

હમાસ સાથેના યુદ્ધને એક મહિનો પૂરો થવા પર ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે આ યુદ્ધ પછી ઇઝરાયેલ ગાઝામાં સમગ્ર સુરક્ષાની જવાબદારી અનિશ્ચિત સમય માટે લેશે. તેમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માંગે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન નેતન્યાહુએ એમ પણ કહ્યું હતું કે હમાસ દ્વારા ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા 240 થી વધુ લોકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તેઓ હુમલાઓ થોડા સમય માટે રોકવા માટે તૈયાર છે.

આ પણ વાંચો, અમિત શાહનો પ્રચાર રથ ઈલેક્ટ્રીક વાયર સાથે અથડાયો, ગૃહમંત્રીનો આબાદ બચાવ

Back to top button