ગુજરાતટોપ ન્યૂઝ

ફાટકમુકત ગુજરાત અભિયાન : રેલવે ઓવરબ્રીજ નિર્માણ માટે 443.45 કરોડના કામોને મંજૂરી

Text To Speech

રાજ્યના શહેરી વિસ્તારો તથા નગરોમાં વાહનવ્યવહાર સરળ બનાવવા તેમજ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રેલવે ઓવરબ્રીજ-રેલવે અંડરબ્રીજના નિર્માણનો વ્યાપ વધારવાનો અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકામાં જોષીપુરા ખાતે 1 રેલવે ઓવરબ્રીજ રૂ. 37.55 કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે 1 રેલ્વે અંડરબ્રીજ રૂ. 18.85 કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

જૂનાગઢ મહાનગરમાં રેલવે અંડરબ્રીજના કામને મંજૂરી

ભૂપેન્દ્ર પટેલે જે નગરપાલિકાઓમાં આવા રેલવે ઓવરબ્રીજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે તેમાં અંજાર રૂ. 55.56 કરોડ, વલ્લભવિદ્યાનગર રૂ. 42.41 કરોડ, હળવદ રૂ. 46.50 કરોડ, ખંભાળીયા રૂ. 37.03 કરોડ, સાવરકુંડલા રૂ. 66.57 કરોડ, ધ્રાંગધ્રા રૂ. 25 કરોડ, આંકલાવ રૂ. 33.27 કરોડ, મોરબી રૂ. 63.85 કરોડ અને ધોરાજીમાં રૂ. 35.69 કરોડના કામોની મંજૂરી આપી છે.

સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ફોરલેન રેલવે ઓવરબ્રીજ તેમજ અન્ય 8 નગરપાલિકા વિસ્તારોમાં ટૂ લેન રેલ્વે ઓવરબ્રીજનું નિર્માણ હાથ ધરાશે. સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 42 જેટલા રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના કામોને રૂ. 1376.47 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. 21 કામો રેલ્વે સાથે 50 ટકા / 75 ટકા શેરીંગ અંતર્ગત મંજૂર કરવામાં આવેલા છે.

એટલું જ નહિ, રાજ્યમાં રૂ.473.61 કરોડના 19 જેટલા આવા કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે તેમજ રૂ. 526.33 કરોડના 12 કામોના ડી.પી.આર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે, આ સાથે વધુ 1 મહાનગરપાલિકા અને 9 નગરપાલિકાઓમાં રેલ્વે ઓવરબ્રીજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી આવનારા દિવસોમાં શહેરી જનજીવન અને પરિવહન સુખાકારીમાં વૃદ્ધિનો ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે.

નગરો-શહેરોમાં વસતા નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળે એટલું જ નહિ, સમય અને ઇંધણની પણ બચત થઇ શકે તેવા જનહિત ભાવ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’માં આવા રેલ્વે ઓવરબ્રીજ, રેલ્વે અંડરબ્રીજ, ફલાયઓવર જેવા કામોનું શહેરી વિકાસ વિભાગ હેઠળની ગુજરાત શહેરી વિકાસ કંપની લી. GUDC અમલીકરણ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આવા રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજની તમામ અમલી કામગીરીઓ ‘સિંગલ એન્ટીટી’ અમલીકરણ સંસ્થા તરીકે GUDCને સોંપવાની પણ અનુમતિ આપી છે.

Back to top button