ઉપવાસ પણ મોંઘા: બે મહિના સુધી ફ્રુટ્સના ભાવ ઘટાડાને ભૂલી જજો
- શાકભાજી બાદ હવે ફ્રૂટ્સના ભાવ પણ આસમાને પહોંચ્યા
- મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી આમ જનતા ત્રાહિમામ્
- અધિક માસમાં ફ્રુટ ખાવા મોંઘા પડશે
દેશભરમાં સતત પડી રહેલા વરસાદે શાકભાજી અને ફ્રૂટના ભાવમાં જબરજસ્ત વધારો કર્યો છે. મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી આમ જનતા રીતસર ત્રાહિમામ્ પોકારી ગઈ છે. શાકભાજી બાદ હવે ફ્રૂટ્સના ભાવમાં પણ વધારો થતાં અધિક અને ત્યાર પછીના શ્રાવણ માસમાં પણ ભક્તોને ભક્તિ અને ઉપવાસ કરવા મોંઘા પડશે. આગામી બે મહિના ફળોની માગ વધેલી રહેવાના કારણે ભાવમાં ઘટાડો નહીં થાય તેની લોકોએ તૈયારી રાખવી પડશે.
બજારમાં ટામેટાં, કોથમીર, ડુંગળી, મરચાં, ફુલાવર, બટાકાના ભાવ વધ્યા બાદ હવે આદું રિટેલમાં 260 રૂપિયે કિલોના ભાવે મળી રહ્યું છે. મરચાંના એક કિલોના ભાવ રૂ. 100, ડુંગળીના રૂ.75, લસણના રૂ. 200 અને ફણસીના રૂ. 250 ભાવ બોલાઈ રહ્યા છે.
હાલ તમામ ફ્રૂટ્સના ભાવમાં 20થી 50 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે.
સફરજનની આવક બંધ થતા ભાવ વધ્યા
બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદને લઈને સફરજનના ભાવ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા કેટલાય સમયથી ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હાલ સફરજનની આવક બંધ હોવાના કારણે તેના ભાવમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. વધતા જતા ફ્રૂટ્સના ભાવને લઈને ગ્રાહકો પર પણ માઠી અસર પડી છે. સફરજનનો ભાવ પહેલાં પણ ઓછો ન હતો. અગાઉ તેનો ભાવ રૂ. 200થી 350 પ્રતિ કિલો હતો, જે અત્યારે રૂ. 360થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કેળાં 40 રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહ્યાં હતાં તેના બદલે હવે 60 રૂપિયે ડઝનના ભાવે વેચાઈ રહ્યાં છે. દાડમનો ભાવ 120 રૂપિયા કિલોથી વધીને 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મોસંબીનો ભાવ 100 રૂપિયાથી વધી અત્યારે 130થી 150 રૂપિયા થયો છે. પપૈયું 40 રૂપિયે કિલો વેચાતું હતું, અત્યારે તે 60 રૂપિયે, જ્યારે પાઈનેપલનો ભાવ ૮૦ રૂપિયા હતો, જે વધીને હવે રૂ. ૧૦૦ સુધી પહોંચ્યો છે. ચીકુના રૂ. 150 પ્રતિ કિલો, જ્યારે તરબૂચ રૂ. 35થી 40 પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે
વરસાદના પગલે સફરજનની આવક ૧૫ દિવસ મોડી
સફરજનનો પાક હિમાચલ અને કાશ્મીરમાં વધારે થતો હોય છે. જ્યાં વરસાદના પગલે 40થી 50 ટકા પાક ઓછો થવાને કારણે ગત વર્ષ કરતાં ભાવમાં 25થી30 ટકા વધારો થયો છે. વિદેશથી આવતાં સફરજનની 18થી 20 કિલો પેટીના ભાવ રૂ. 3000થી 3500ના બદલે રૂ.4500 ચાલી રહ્યા છે. વિદેશથી આવતાં કિવી ફળ રૂ. 200થી 300 અને ચેરી રૂ. 300થી 400 હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો છે. લોકલ માર્કેટના પૈપયાં, ચીકુ, કેળાં, તરબૂચના ભાવ 50 ટકા વધ્યા છે.
અધિક અને શ્રાવણ માસમાં ફળોની માગ વધી
દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે શાકભાજી, ફ્રૂટ અને ધાનના પાકને ભારે નુકસાન થયું છે. જેના પગલે શહેરના નરોડા ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટની આવકમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર હાલમાં હાફૂસ, કેસર અને રત્નાગીરી કેરીની સિઝન પૂરી થઇ છે. જ્યારે યુપીની લંગડો અને દશેરી કેરીની સિઝન ચાલી રહી છે. છેલ્લે ચોસા કેરીની આવક થતી હોય છે. કેરીની રોજની 20 ગાડીની જગ્યાએ અત્યારે માત્ર ત્રણ ગાડી માર્કેટમાં આવે છે. જેના પગલે હોલસેલ માર્કેટમાં લંગડો કેરીનો રૂ. 80થી 100 અને દશેરીનો રૂ. 50થી 60 પ્રતિ કિલોનો ભાવ ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ AMTS: અધિક માસમાં ધાર્મિક પ્રવાસ બસ સેવા શરૂ, નક્કી કરો તમારો રૂટ