ગુજરાતમાં નવરાત્રિ બાદ આવેલા વરસાદે ખેડૂતોને રોવડાવ્યા છે. જેમાં સાબરકાંઠા જીલ્લામાં બે દિવસમાં ચાર ઈંચ વરસાદથી ખેડૂતોને પાકના મોટું નુકસાન થયુ છે. કમોસમી વરસાદને કારણે દરેક તાલુકાના ખેડૂતોને વત્તા- ઓછા પ્રમાણમાં ખેતીના પાકોમાં થયેલા નુકસાનને લઈને આર્થિક ફટકો પડયો છે. ત્યારે ઈડર તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદે મગફળીના પાકના ગઢ સમાન ગણાતા ચોરીવાડ, ચોટાસણ, કાનપુર, ગોરલ સહિતના અન્ય દસથી વધુ ગામોમાં અંદાજે આઠ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ તૈયાર કરેલ મગફળીનો પાક પલળી જતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તથા અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને રાજ્યના કૃષિમંત્રીને રજુઆત કરી સહાય ચુકવવાની માંગ ઉઠી છે.
જગતનો તાત કુદરતની આ લીલા સામે લાચાર બન્યો
જીલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને અન્ય તાલુકાઓમાં પણ ખેડૂતોને ચોમાસુ પાકમાં થયેલા નુકસાન બાદ ખેતરોમાં જતાં ખેડૂતો ચિંતાતુર બની જાય છે. અને કુદરતની આ લીલા સામે લાચાર બનીને વિચારમગ્ન બની ગયા છે. જિલ્લાના ખેડૂતોનું માનવુ છે કે મોંઘા ખાતર, બિયારણ અને દવાઓનો ઉપયોગ કરીને તૈયાર કરેલ ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે કુદરતે મોંમા આવેલો કોળીયો ઝૂંટવી લીધો છે. જેથી ગ્રામ્યસ્તરે ખેતીવાડી વિભાગના કર્મચારીઓ ધ્વારા સર્વે કરીને સત્વરે સહાય આપવી જોઈએ નહી તો જગતનો તાત નાશીપાસ થઈ જાય તો નવાઈ નહી.
જમીનમાંથી કાઢેલ મગફળી પલળી ગઈ
સાબરકાંઠા જીલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને ઈડર તાલુકાના ખેડૂતોએ અંદાજે આઠ હજાર હેક્ટર જમીનમાંથી કાઢેલ મગફળી પલળી ગઈ છે. જેના લીધે ઘાસ કાળુ થઈ ગયું છે અને પાકેલા મગફળીના દાણા ભેજને લઈને જમીન પર પડી રહેતા ફરીથી ઉગી રહ્યા છે. હજુ પણ વાતાવરણ સ્વચ્છ બન્યું નથી આકાશ વાદળછાયું રહે છે જેથી ખેડૂતો ખેતરોમાં પડી રહેલ મગફળીના પાકને જેમ છે તેમ પડી રહેવામાં માની રહ્યા છે.