આણંદ જિલ્લામાં ખેડૂતો MSP ધોરણે વેચાણ માટે કરાવી શકશે ઓનલાઇન નોંધણી
આણંદ, 22 ફેબ્રુઆરી: રવિ સીઝનમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી કરવામાં આવશે. જે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આણંદ જિલ્લામાં ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા 26 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2024 સુધી નોંધણી કરાવી શકશે. નોંધણી માટે જરૂરી પુરાવાઓ જેમ કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો 7/12, 8-Aની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા ડૉક્યુમેન્ટ્સ જરૂરી છે.
વેચાણ કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી
આણંદ જિલ્લાના ઘઉ, ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇ પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી આવશ્યક છે. આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મહત્ત્વનું છે કે, ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ અથવા ઓળખ પત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરાશે.
નોંધણી કરાવતી વખતે તમામ ડૉક્યૂમેન્ટસ સારી રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની ખેડૂતોને ખાસ કાળજી રાખવી પડશે. ડૉક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડૉક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા ખેડૂતોનું નામ રદ થશે અને ખરીદી માટેની જાણ તેવા ખેડૂતોને કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી અને કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા