કપાસના ભાવ નીચે જતા ખેડૂતોમાં રોષ, કપાસને સળગાવી દેવાની ચીમકી ઉચ્ચારી
સૌરાષ્ટ્રમાં મોટા પાયે કપાસનું વાવેતર કરવામાં આવતુ હોય છે. અને કપાસની ખેતીમાં સમયની સાથે ખર્ચ પણ બમણો થતો હોય છે. પરંતુ ખેડૂતો જ્યારે તેને માર્કેટમાં વેચવા માટે જતા હોય છે. ત્યારે તેમણે ખર્ચ જેટલુ પણ મળતુ નથી. જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ સુરેન્દ્રનગરના લખતર APMCમાં કપાસના ભાવ નીચા જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ગુજરાત સરકારની ખેડૂતોને આવક બમણી કરવાની મોટી મોટી વાતો વચ્ચે ખેડૂતોને ખેતીમાં કરેલ ખર્ચ જેટલો પણ ભાવ મળતો નથી, જેથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
કપાસના ભાવ નીચા બોલાતા ખેડૂતોમાં રોષ
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના લખતર APMCમાં આજે કપાસના નીચા ભાવ બોલાતા કપાસ વેચવા આવેલ ખેડૂતો વિરોધ કર્યો છે. આજે APMCમાં કપાસના ભાવ 1600 રૂપિયા બોલાયા હતા જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અને ખેડૂતોને કપાસના પાકમાં થયેલ ખર્ચ પણ ન મળતા ખેડૂતોએ કપાસને સળગાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગયા વર્ષે કપાસના ભાવ રૂપિયા 2100ની આસપાસ હતા
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે ડીઝલ, ખાતર અને ખેત મજૂરીના ભાવ સામે કપાસના ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે. જેથી તેમનો ખર્ચ પણ નીકળતો નથી. ખેડૂતો જણાવી રહ્યા છે કે દર વર્ષે ખાતર, ડીઝલ, દવા , બિયારણ વગેરેના ભાવ વધતા જાય છે. અને તેની સામે ખેડૂતોના પાકનો ભાવ વધતો નથી તેના કારણે તેમને ખેતીમાં કરેલ ખર્ચ પણ વળતો નથી. ગયા વર્ષે કપાસના ભાવ રૂપિયા 2100ની આસપાસ રહ્યા હતા. ત્યારે આ વર્ષે તેની સરખામણીમાં કપાસના ભાવ 1600 રૂપિયા બોલાયા છે.
યાર્ડમાં કપાસની આવક ઘટી
લખતર માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખુલ્લી હરાજીમાં કપાસનાં ભાવ નીચે જતા હવે યાર્ડમાં કપાસની આવક પણ ઓછી થઈ ગઈ છે. હજુ કપાસની સીઝન પૂર્ણ થવામાં વાર છે તેમ છતાં ભાવમાં આટલો મોટા ઘટાડો થતા પાકને વેચવો કે ની તેને લઈને ખેડૂતો મુજવણમાં મુકાયા છે. ઉલ્લેખની છે કે છેલ્લા 2 દિવસના અંતરમાં જ કપાસની આવક ખૂબ ઘટી ગઇ હતી. તો બીજી તરફ ઘણા ખેડૂતો ભાવ ઊંચા જવાની આશમાં કપાસને રાખી મુક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત: 1,414 કરોડના સટ્ટાકાંડમાં કર્મેશ-હરીકેશના બેન્કખાતાના ખુલાસા થતાં પત્તા ખુલ્યા