ખેડૂતો વીજદરના મુદ્દાને લઇને ડીસામાં રસ્તા પર બેસી નોધાવ્યો વિરોધ


પાલનપુર: ખેડૂતોની માગણીને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં 6 દિવસથી વિરોધ નોધાવી રહ્યા છે. છતાં કોઈ પણ પગલાં ન ભરતાં હવે ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકા મથકોએ કાર્યક્રમમાં વિરોધ નોધાવ્યો હતો. મંગળવારે ડીસા ખાતે કિસાન સંઘની મળેલી બેઠક બાદ રોષે ભરાયેલા ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. અને ડીસાના જલારામ મંદિર ચાર રસ્તા ઉપર હાથમાં કિસાન સંઘની ધજા લઈને ખેડૂતો રોડ ઉપર બેસીને ચક્કાજામ કર્યો હતો. અને વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચાર કર્યા હતા. જેને લઈને માર્ગ ઉપર બન્ને સાઈડ ટ્રાફિક સમસ્યા સર્જાય હતો.
રાજ્યના ખેડૂતો છેલ્લા 6 દિવસથી ગાંધીનગરમાં સમાન વીજદરના મુદ્દાને લઇને ધરણાઓ પર બેઠેલા છે. તેઓ મીટર ટેરીફ બંધ કરી હોર્સ પાવર આધારિત બિલ આપવા અને રી- સર્વે સહિતના 26 જેટલા મુદ્દાઓની માગણીઓનો ઉકેલ માંગી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં 94,000 ખેડૂતોને મીટર આધારિત બિલ આપતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે ખેડૂતોની વાત કાને ન ધરતા રોષ પ્રસર્યો છે. ડીસામાં ખેડૂતો દ્વારા કરાયેલા ચક્કા જામ બાદ હવે આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતાઓ ઉભી થઇ રહી છે.