ડુંગળીના ભાવ નહીં મળતાં ગોંડલમાં ખેડૂતોનો હલ્લાબોલ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકાયો
ગોંડલ, 15 ડિસેમ્બર 2023, સરકારે હરાજી બંધ કરી દેતા ડુંગળી પકવતા ખેડૂતો રોષે ભરાયા છે. આજે બીજા દિવસે ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ ડુંગળીના ભાવને લઈને વિરોધ કર્યો છે. એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપતાં માર્કેટ યાર્ડ પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બપોર સુધી માર્કેટયાર્ડના સત્તાધીશો ખેડૂતોને વ્યથા સાંભળવા નહીં આવે તો ધોરાજીથી આવેલા ડિમલ વઘાસિયા નામના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેની પોલીસે અટકાયત કરી લીધી છે. તે ઉપરાંત તેમની સાથે રહીને આંદોલન કરી રહેલા 6થી 7 ખેડૂતોની પણ પોલીસે અટકાયત કરી છે.
ગઈકાલે માર્કેટયાર્ડમાં ડુંગળીના 55,000 કટ્ટાની આવક થઈ
આજે સતત બીજા દિવસે ખેડૂતો હાઇવે પર ચક્કાજામ ન કરે તેને લઈને નેશનલ હાઇવેની નજીક આવેલા ગોંડલ યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે માર્કેટયાર્ડમાં ડુંગળીના 55,000 કટ્ટાની આવક થઈ હતી. ડુંગળીની મોટી આવક વચ્ચે કોઈ ખરીદાર ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. માર્કેટયાર્ડના મેઈન ગેઇટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેઈટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગોંડલ માર્કેટયાર્ડના બન્ને મુખ્ય ગેઈટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસ સાથે લસણ ભરેલાં વાહનોની કતારો લાગી છે.
માર્કેયાર્ડની બહાર પોલીસે ચાંપતો બંદોબસ્ત ખડકી દીધો
સરકાર અને માર્કેટયાર્ડ સત્તાધીશો સામે પણ ડુંગળી પકવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. ડુંગળીની નિકાસબંધીને લઈને ખેડૂતોનું આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાની પણ સંભાવના છે. ડુંગળી લઈને આવતા તમામ ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો નેશનલ હાઈવે સુધી પહોંચી ન જાય તે માટે ગોંડલ માર્કેયાર્ડની બહાર પોલીસે ચાંપતો બંદોબસ્ત ખડકી દીધો છે. હાઈવે પર જવા માટે ખેડૂતો અને પોલીસ વચ્ચે હાલ ઘર્ષણ ચાલી રહ્યું છે. ખેડૂતો હાઈવે પર જવા માટે પોલીસ પાસે માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ઊંઝામાં APMCના વાઈસ ચેરમેન સહિત છ વેપારીઓને ત્યાં GSTના દરોડા