ઉત્તર ગુજરાતકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝ

ડુંગળી બાદ બટાકા વાવતા ખેડૂતો મુશ્કેલીમાં, સિઝન પહેલાં જ ભાવ તળિયે બેસી ગયા

Text To Speech

પાલનપુર, 12 જાન્યુઆરી 2024, ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. તેવામાં માવઠાના કારણે શિયાળુ પાકને વધુ નુકસાન થયું હતું. તે ઉપરાંત ડુંગળી પકવતા ખેડૂતોએ નિકાસ અને ભાવ નહીં મળતાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે ડુંગળી બાદ બટાકા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાના પાકમાં રોગ આવી જવાથી ઉત્પાદન નીચું જતાં સિઝન પહેલાં જ ભાવ તળિયે બેસી ગયાં છે. જેથી ખેડૂતોએ પકવેલા બટાકા મુશ્કેલી સર્જી રહ્યાં છે.

આગોતરો અને પાછોતરો પાક એકી સાથે પાકી ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ચાલુ વર્ષે ઠંડીની શરૂઆત મોડી થવાથી બટાકાના પાકમાં રોગ લાગુ પડ્યો છે. સુકારાના રોગને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાના પાકનું ઉત્પાદન ઘટ્યું છે. બીજી બાજુ વાતાવરણ અને ઠંડીમાં ઉતાર ચઢાવને કારણે આગોતરો અને પાછોતરો પાક એકી સાથે પાકી ગયો છે. જેના કારણે માર્કેટમાં બટાકાનો ભાવ તળીયે પહોંચ્યો છે.બટેકાનું કદ પણ નાનું રહી જતાં ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન થયું છે.40 મીલીમીટર કરતા નાના કદના બટાકાનું પ્રમાણ વધારે છે. જેના માર્કેટમાં સારા ભાવ મળતાં નથી. આમ ખેડૂતોને એકી સાથે 3 બાજુએથી માર પડતાં બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

બટાકા વાવતાં ખેડૂતોની હાલત કફોડી બની
હાલ ખેડૂતોને 20 કિલો બટાકાના 110થી 150 રૂપિયા મળી રહી રહ્યા છે. જે પોષણક્ષમ ભાવ કરતાં ખુબ નીચા ભાવ છે. ગત વર્ષે ખેડૂતોને 20 કિલોના 200 રૂપિયા ભાવ મળ્યો હતો. એટલું જ નહીં, જિલ્લામાં 40 ટકા પ્રોસેસિંગ બટાકાનું વાવેતર થયું છે. જેનો ઉપયોગ ચિપ્સ સહિતની વસ્તુઓ બનાવાવમાં થાય છે. ત્યારે 60 ટકા વાવેતર ભોજન સહિતની વસ્તુઓમાં ઉપયોગમાં લેવાતા બટાકાનું થયું હતું. તેવામાં તમામ પ્રકારના બટાકા વાવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચોઃ આ ખેડૂતની આવક બે-ચાર ગણી નહીં, અધધ સાત ગણી વધી

Back to top button