દસક્રોઈ તાલુકાના વાંચ ગામના ખેડૂતોને ફળી ફાલસાની ખેતી, કરી અઢળક કમાણી
અમદાવાદના દસક્રોઈ તાલુકાનું વાંચ ગામ મુખ્યત્વે ફટાકડાના કારખાનાઓ માટે જાણીતું છે. ફટાકડા બાદ ફાલસાની બાગાયતી ખેતી આ ગામની નવી ઓળખ બની રહી છે. ગામમાં મોટાપાયે થતાં ફાલસાના વાવેતર અને ઉત્પાદને વાંચ ગામને નવી ઓળખ આપી છે.
અમદાવાદના ખેડૂતે બાગાયતી ખેતી કરીને નવો ચીલો ચીતર્યો
આજે વાત કરવી છે વાંચના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત અમિતભાઈની જેઓ વ્યવસાયે પ્રિન્ટિંગ પ્રેસના કારોબાર સાથે સંકળાયેલા હતા. પ્રિન્ટિંગ પ્રેસના કારોબારની સાથે સાથે બાગાયતી ખેતી સાથે પણ દિલથી જોડાયેલા છે. પોતાની 1.12 હેકટર જમીનની સાથે ભાડા પેટે અન્ય 1 હેકટર જમીન મેળવીને બાગાયત વિભાગના માર્ગદર્શન અને સહાય દ્વારા યોગ્ય વાવેતર અને આયોજન થકી સારો નફો મેળવી રહ્યાં છે. ફાલસા, પપૈયા અને આમળાંની બાગાયતી ખેતી કરતા અમિતભાઈ ફાલસાના ફળ ઉપરાંત ફાલસાના પલ્પના વેચાણ થકી સારો નફો મેળવતા અમિતભાઈએ બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશનમાં નવો ચીલો ચીતર્યો છે.
ફાલસાની ખેતીમાં કેટલું ઉત્પાદન ને કેવા મળે છે ભાવ?
ફાલસા અને અન્ય બાગાયતી પાકોની ખેતી અને તેમાં બાગાયત વિભાગ દ્વારા મળતા માર્ગદર્શન વિશે વાત કરતા અમિતભાઈ જણાવે છે કે પાંચેક વીઘા જેટલા વાવેતરમાં 6 થી 7 હજાર કિલો જેટલું ફાલસાનું ઉત્પાદન મળતું હોય છે. ડિસેમ્બર માસમાં ફાલસાના પાકને કાપણી કરીને રાખવામાં આવે છે, જેનું ઉત્પાદન માર્ચ – એપ્રિલ આસપાસ મળવા પામતું હોય છે. ફાલસાના કુલ ઉત્પાદનમાંથી તેઓ ફાલસા સીધા બજારમાં પણ વેચે છે અને પલ્પ બનાવીને પણ વેચાણ કરે છે. ફાલસાના પલ્પનો 350 રૂપિયા પ્રતિકિલો જેટલો બજારભાવ મળી રહેતો હોય છે, જ્યારે સીઝનમાં ફાલસાનો ભાવ પણ 70 થી 100 રૂપિયા પ્રતિકીલો જેવો મળી રહેતો હોય છે. ફાલસાની કુલ રુ.3 લાખ જેટલી આવકમાંથી ચોખ્ખો રુ.2.5 લાખ જેટલો નફો મળતો હોય છે.
ફાલસાની ખેતી સાથે સાથે આમળાંનું અને પપૈયાનુ પણ વાવેતર
આ ઉપરાંત, આ વખતે 2.5 વીઘા જેટલી જમીનમાં તેમણે આમળાંનું વાવેતર કર્યું છે અને તેમાં આંતરપાક તરીકે પપૈયાનું વાવેતર કરેલું છે. બાગાયતી ખેતીમાં અન્ય ખેતીની સરખામણીમાં ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
જિલ્લા વહીવટી તંત્ર અને બાગાયત વિભાગ પણ ખેડૂતોની સાથે
અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વધુ ને વધુ ખેડૂતો બાગાયતી ખેતી અપનાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને બાગાયત વિભાગ દ્વારા સકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને બાગાયતી ખેતી માટે માર્ગદર્શન સહિત વિવિધ યોજનાઓના લાભ સીધા મળી રહે તે માટે યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જિલ્લાના ખેડૂતો વધુને વધુ પ્રમાણમાં પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે પણ ખેડૂતોને તાલીમ આપવા સહિતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યસરકારના બાગાયત વિભાગના માર્ગદર્શન થકી અમિતભાઈ ફળપાકોનું આયોજનપૂર્વક વાવતેર કરીને સારું ઉત્પાદન અને નફો મેળવી રહ્યાં છે. આ ઉપરાંત, અમિતભાઇએ ફળ પાક વાવેતરમાં બાગાયત વિભાગ તરફથી રુ.12000ની સહાય પણ મેળવી છે.
ફાલસાના ફળનો ઉપયોગ
ફાલસાના ફળનો સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં અવ્વલ હોવાથી અને પ્રકૃતિમાં ઠંડા હોવાથી ઉનાળામાં ફાલસાની બજારમાં ખૂબ જ ડિમાન્ડ રહેતી હોય છે. ફાલસાના પલ્પ, શરબત, શોટ્સ સહિત અન્ય ઘણી રીતે લોકો તેની ઉનાળામાં મજા માણતા હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ, વિટામીન અને ફાઇબરથી ભરપૂર ‘નેચરલ કૂલિંગ એજન્ટ’ તરીકે ઓળખાતા ફાલસા હિટ સ્ટ્રોક સામે રક્ષણ આપવા અને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવા સહિત હાયપરટેન્શન અને અનેમિયા જેવા રોગોમાં પણ ઉપયોગી સાબિત થાય છે. આમ સ્વાથ્ય માટે પણ ફાલસાના ફળોખુબજ ઉપયોગી છે.
આ પણ વાંચો : સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ શિયાળુ પાક સાચવી રાખ્યો, પુરતા ભાવ ન મળતા ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી