સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ શિયાળુ પાક સાચવી રાખ્યો, પુરતા ભાવ ન મળતા ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી
વાત આપણે અહીં કપાસના પાકની કરી રહ્યા છીએ, જે શિયાળુ પાક છે જેના છેલ્લાં પખવાડિયામાં ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. બજારમાં કપાસના ભાવ 13 ટકા સુધી ઘટ્યા છે. છેલ્લાં એક મહિનામાં કપાસની કિંમત પ્રતિ 20 કિલો રૂ.175 સુધી તૂટી છે જ્યારે છેલ્લાં પાંચ દિવસના ભાવમાં રૂ.60નો ઘટાડો થયો છે. કૃષિ બજારનાં નિષ્ણાતોના મતે, કપાસની માર્કેટમાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે. આ શક્યતાને આધાર બનાવીને જિનર્સ અને સ્પીનર્સ જરૂરિયાત પૂરતી ખરીદી કરી રહ્યાં છે, જ્યારે ખેડૂતો ભાવ વધ્વાની આશા એ બેઠા હતા પરંતુ અહી તો ખેડૂતો ને ભાવ તૂટવાની બીકમાં મજબુરીમાં માલ ઠાલવ્વો પડી રહ્યો છે. માર્કેટ યાર્ડ્સમાં ગાડીઓ ભરીભરીને માલ ઠલવાઈ રહ્યો હોવાથી કિંમતમાં તીવ્રપણે ઘટાડો થયો છે. ગયા વર્ષે કપાસના ખેડૂતોને રૂ.2,700 સુધીનો ભાવ મળ્યો હતો, પરંતુ મે-2023માં ભાવ રૂ.1,500ની નીચે પહોંચી ગયો છે. ખેડૂતોની ઈચ્છા હતી કે, રૂ.2,000 જેટલો ભાવ મળશે, પરંતુ હવે બીક છે કે, જલદી માલ નહીં વેચીએ તો રૂ.1,000માં માલ વેચવો પડશે.
ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી
ખેડૂતોને ગયા વર્ષે રેકોર્ડ-બ્રેક ભાવ મળ્યો હતો, જેથી આ વખતે પણ ખેડૂતોને આશા હતી કે ગઈ સાલ જેવો ભાવ મળ્યો એવો આવખતે પણ તેમને મળશે. પરંતુ આ વખતે તો ભાવ ચડવાના બદલે દિવસે ને દિવસે ઊતરતો જોવા મળી રહ્યો હોવાથી ખેડૂતોની આશા પર પાણી ફરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સારા ભાવની આશા રાખીને નાના ખેડૂતોએ તો ધાબા પર કપાસ ભેગો કરીને રાખ્યો હતો, પરંતુ હવે આ ખેડૂતો માલ લઈને ખરીદદાર શોધી રહ્યાં છે. થોડા દિવસો અગાઉ દરરોજ સરેરાશ 20,000 ગાંસડી (1 ગાંસડી બરાબર 170 કિલો) કપાસનો માલ ઠલવાતો હતો, પરંતુ હવે તે પાંચ ગણો વધી ગયો છે. હવે 1,00,000 ગાંસડી માલ ઠલવાઈ રહ્યો છે. મે મહિનામાં આટલો બધો કપાસ ઠલવાતો જોઈને માર્કેટયાર્ડ્સના વેપારીઓ અને અધિકારીઓને પણ નવાઈ લાગી છે, કારણ કે સામાન્ય રીતે, આટલો મોટો જથ્થો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આવતો હોય છે.
ટ્રક અને ટેમ્પો ભરી-ભરીને કપાસનો માલ ઠલવાયો
કોમોડિટી એક્સપર્ટ બીરેનભાઈ વકીલના કહેવા પ્રમાણે, “મે મહિનામાં કપાસનો માલ બજારમાં આવે તેનો અર્થ એ કે, આ માલ મજબૂરીનો છે. મે મહિનામાં આટલો બધો માલ જોવા મળતો નથી, પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. ઘણા માર્કેટ યાર્ડમાં તો પગ મૂકવાની પણ જગ્યા નથી. ટ્રક અને ટેમ્પો ભરી-ભરીને કપાસનો માલ ઠલવાઈ રહ્યો છે.”
આ પણ વાંચો : રાજ્ય સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરાશે શરૂ