માવઠાની આગાહીને પગલે ડિસા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને એલર્ટ કરાયા
અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે. વહેલી સવાર અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24થી 28 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય થતાં ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
જણશ સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની સૂચના
રાજ્યમાં માવઠાની આગાહીને પગલે ડિસા માર્કેટયાર્ડના ખેડૂતો અને વેપારીઓને એલર્ટ કરાયા છે. માર્કેટયાર્ડના સંચાલકોએ સોશિયલ મીડિયા મારફતે ખેડૂતો અને વેપારીઓએ પોતાનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની સૂચના આપી છે. વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા માર્કેટયાર્ડના સંચાલકોને એલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડીસા માર્કેટયાર્ડના સંચાલકોએ ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહીના દિવસો દરમિયાન તેમની જણશ સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે
માલ ઢાંકીને લઈને આવવા માટેની સૂચના આપી
ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરતભાઈ જોશીએ જણાવ્યું હતું કે આગામી 24 થી 28 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી સરકારની સૂચના અનુસાર અમે તમામ વેપારીઓ અને ખેડૂતોને આ બાબતે એલર્ટ કર્યા છે અને તેમનો માલ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે તેમજ માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને લઈને આવવા માટેની સૂચના આપી છે.
પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની સંભાવના
ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની સંભાવના છે. 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીમાં વધારાની શક્યતા છે. રાજ્યમાં માવઠાની સ્થિતિને લઈ ઠંડીમાં ઘટાડો થશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે. તેમાં ગુજરાતમાં આગામી 4 દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા છે.અમદાવાદમાં 21.8 ડિગ્રી તાપમાન સરેરાશ કરતા વધારે રહેશે.નલિયા 16 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. ભુજમાં 19.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.6 ડિગ્રી તાપમાન, અમરેલી અને ભાવનગરમાં 22 ડિગ્રી તાપમાન સાથે સુરત અને રાજકોટમાં તાપમાન 24 ડિગ્રી નોંધાયુ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી, જાણો કયા વરસાદ આવશે