ચંદીગઢ, 11 ફેબ્રુઆરી : દેશમાં ફરી એકવાર ખેડૂત આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યા અનુસાર બેરીકેટ્સ અને બોલ્ડર્સને દૂર કરવા માટે મોડીફાઇડ કરાયેલા ટ્રેક્ટર ખેડૂતોને 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરવા માટે દોરી જશે. આ માટે દેશની ગુપ્તચર એજન્સીઓએ પોલીસને એલર્ટ કરી છે.
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તેઓએ પંજાબ, યુપી, હરિયાણા અને દિલ્હી પોલીસને ખેડૂતોના જન આંદોલનને લઈને એલર્ટ કરી દીધા છે. 25,000 થી વધુ ખેડૂતો અને લગભગ 5000 ટ્રેકટરો સોમવારે પંજાબ અને હરિયાણાના વિવિધ જિલ્લાઓમાંથી તેમની ચળવળ શરૂ કરીને મંગળવારે દિલ્હી પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે લગાવેલા બેરિકેડ્સને દૂર કરવા માટે ટ્રેક્ટર્સમાં હાઇડ્રોલિક સાધનો ફીટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત ફાયર હાર્ડ-શેલ ટ્રેલર્સ ટીયર ગેસના શેલ સામે લડવા માટે તૈયાર છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે મહત્તમ વિરોધીઓને સ્થળ પર લઈ જવા માટે મશીનોની હોર્સપાવર બમણી કરવામાં આવી રહી છે.
અગાઉ પોલીસે પ્રદર્શનકારીઓને દિલ્હી પહોંચતા રોકવા માટે રેતીથી ભરેલા ડમ્પરો, વિશાળ કોંક્રિટ બ્લોક્સ અને કન્ટેનર રસ્તા પર મૂક્યા હતા, પરંતુ ખેડૂતો દિલ્હી સરહદે પહોંચી ગયા હતા. રિપોર્ટમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તલવારો અને લાકડીઓથી વળતો હુમલો કરવા માટે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. 2021 માં, ખેડૂતોના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં તલવારના હુમલામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
મહત્વનું છે કે, શનિવારે, મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની આગેવાની હેઠળની હરિયાણા સરકારે 13 ફેબ્રુઆરી સુધી મોબાઇલ ઇન્ટરનેટ, બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓને 13 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી જ્યારે ખેડૂતો અનેક માંગણીઓ માટે દબાણ કરવા દિલ્હી સુધી કૂચ કરવાના છે. હરિયાણા પ્રશાસન દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, વોઈસ કોલ સિવાય મોબાઈલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી બલ્ક એસએમએસ અને તમામ ડોંગલ સેવાઓ સ્થગિત રહેશે.