ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષ

વિદાય 2023: આ કારણોસર યાદ રહેશે વિદાય લઈ રહેલું વર્ષ

હમ દેખેગેં ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ), 27 ડિસેમ્બર: 2023ના વર્ષ સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. વર્ષ 2023એ દેશ માટે ઐતિહાસિક સાબિત થયું છે. આ વર્ષે ભારતે આવી અનેક સિદ્ધિ હાંસલ કરી છે, જે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. સફળ ચંદ્રયાન મિશન, G20ની અધ્યક્ષતા અને આદિત્ય L-1 મિશને ભારતને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપી છે. આ સાથે ભારતનું નવું સંસદ ભવન, સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા અને વિશ્વ સ્તરની સ્પર્ધામાં ભારતની સિદ્ધિ ખૂબ જ ખાસ રહી છે. જો કે દેશે આખા વર્ષ દરમિયાન અનેક મોટા પડકારોનો પણ સામનો કર્યો છે. તો ચાલો આજે સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં બનેલી વિવિધ ઘટનાઓ વિશે જાણીએ, જેણે આ વર્ષને યાદગાર બનાવ્યું છે.

જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ જાતીય સતામણી વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા

@SakshiMalik

જાન્યુઆરી 2023ના શરૂઆતના દિવસો કુસ્તીબાજો માટે ખૂબ જ પડકારજનક સાબિત થયા હતા, કારણ કે ભારતની મહિલા કુસ્તીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જોરદાર વિરોધ કર્યો હતો. બ્રિજ ભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ હતો. આ દરમિયાન તેમની માંગ હતી કે બ્રિજ ભૂષણને તેમના પદ પરથી બરતરફ કરવામાં આવે અને મામલાની તપાસ થવી જોઈએ. જોકે, હજુ સુધી આ મામલો થાળે પડ્યો નથી. તાજેતરમાં સંજય સિંહ WFIના વડા તરીકે ચૂંટાતા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી, અને બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું છે. બાદમાં રમત-ગમત મંત્રાલયે સંજય સિંહને WFI ચીફના પદ પરથી બરતરફ કર્યા હતા. એમ કહી શકાય છે કે, એક વર્ષ પછી પણ કુસ્તીબાજો તેમના ન્યાય માટે લડી રહ્યા છે.

ફેબ્રુઆરી 2023માં ક્રિકેટ જગતમાં ભારતીય ટીમે ઈતિહાસ સર્જ્યો

ભારતીય ટીમે ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ક્રિકેટ પ્રેમીઓ માટે આ સોનેરી ક્ષણ હતી. ભારતીય ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ બની ગઈ હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે રાષ્ટ્રીય ટીમ એક સાથે ત્રણેય ફોર્મેટમાં ટોચ પર રહી હોય.

માર્ચ મહિનો રાજકીય ઊથલપાથલથી ભરેલો હતો

Rahul Gandhi_HD News
@INCIndia

પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીઓ અને રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. 2019માં માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા ફટકારવામાં આવ્યા બાદ હવે તેમનું સંસદ સભ્યપદ રદ કરાયું હતું. જો કે બાદમાં માનહાનિના કેસમાં SCએ રાહુલની બે વર્ષની સજા પર રોક લગાવી દીધી હતી.

એપ્રિલમાં ચીનને પાછળ છોડી ભારત વિશ્વનો વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો

ભારતે એપ્રિલમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. હકીકતમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ, ભારતની વસ્તી આગામી ત્રણ દાયકા સુધી વધવાની ધારણા છે, જો કે તે પછી ધીમે-ધીમે તેમાં ઘટાડો થશે.

એપ્રિલના મધ્યમાં જ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પત્રકારો બનીને આવેલા હત્યારાઓએ મીડિયાની સામે લાઈવ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો કે ઘટનાસ્થળેથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પછી એપ્રિલમાં કટ્ટરપંથી ખાલિસ્તાની વારિસ પંજાબ દેના વડા અમૃતપાલની પણ એક મહિના સુધી સતત પીછો કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ પોલીસને તેમના મિશનમાં સફળતા મળી હતી. હાલ અમૃતપાલને જેલમાં રાખવામાં આવ્યો છે.

મે મહિનામાં મણિુપરમાં હિંસા ફાટી અને 2000 રૂ.ની નોટ પાછી ખેંચાઈ

મે મહિનો દેશ માટે ખૂબ જ પડકારજનક રહ્યો. મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આખું મણિપુર આગચંપી, અપહરણ અને હત્યાઓથી ઝઝૂમી રહ્યું હતું અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો હતો. આ હિંસામાં ઘણા નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો કે, આ મુદ્દો ત્યારે વધુ ગૂંજ્યો જ્યા જુલાઈ 2023માં 4 મેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક સમાજની બે મહિલાઓને ટલાક લોકોએ નગ્ન કરીને રસ્તા પર પરેડ કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ દેશભરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. હજુ પણ મણિપુરમાં વારંવાર હિંસાની ઘટના બનતી હોય છે.

@meiteiheritage

કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આની જાહેરાત કરતા RBIએ કહ્યું કે ‘Clean Note Policy’ હેઠળ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, RBIએ કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાં 2000 રૂપિયાની નોટ બદલવાની સમય મર્યાદા આપી હતી. જો કે, હાલમાં જેમની પાસે હજુ પણ 2000 રૂપિયાની ચલણી નોટ હોય તો તેઓ રિઝર્વ બેન્કમાં જઈ નોટ પરત કરાવી શકે છે.

સૌથી ખાસ અને દેશનું ગૌરવ વધારનાર વાત એ બની કે, 28 મેના રોજ જ ભારતને તેની નવી અને અત્યાધુનિક સંસદની ઇમારત મળી. પીએમ મોદીએ 28મી મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. 971 કરોડના ખર્ચે બનેલી આ ઈમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 300 સાંસદો બેસી શકે છે.

દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય કર્ણાટકમાં મે મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જંગી જીત નોંધાવી અને ભાજપને સત્તા પરથી હટાવી દીધી. કોંગ્રેસે વિધાનસભાની 224 બેઠકોમાંથી 135 બેઠકો જીતી અને પ્રચંડ બહુમતી સાથે પોતાની સરકાર બનાવી.

જૂનમાં કુદરતી અને માનવસર્જિત ઘટનાએ કેટલાયના જીવ લીધા

જૂનની શરૂઆત દેશ માટે ખૂબ જ પીડાદાયક રહી. 2 જૂનના રોજ,ઓડિશામાં ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ અને SMVT બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 300 લોકોના મૃત્યુ થયા  અને લગભગ 850 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ભારતીય રેલવેના ઈતિહાસની મોટી ઘટના સાબિત થઈ હતી.

@nabilajamal_

ચક્રવાત બિપરજોયે આ વર્ષે જૂનની શરૂઆતમાં ગુજરાતમાં તબાહી મચાવી હતી, બિપરજોય વર્ષ 1977 પછી ઉત્તર હિંદ મહાસાગરમાં સૌથી લાંબુ સક્રિય ચક્રવાતી તોફાન હતું. ચક્રવાત બિપરજોયએ ભારત અને પાકિસ્તાનને અસર કરી હતી, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1,80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં કુલ 13 દિવસ અને ત્રણ કલાક સુધી સક્રિય રહ્યું હતું.

જુલાઈમાં હિમાચલ પ્રદેશમાં વિનાશક પૂર આવ્યો

જુલાઈ મહિનામાં બે મોટી ઘટનાઓના કારણે દેશભરમાં ચર્ચાઓ જોર પકડ્યું હતું. હકીકતમાં મણિપુરમાં હિંસા પછી, ત્યાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ પ્રકારની હિંસા ન વધે. થોડા સમય પછી જુલાઈમાં ઈન્ટરનેટ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, જે પછી એક ખૂબ જ શરમજનક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે મહિલાઓ નગ્ન અવસ્થામાં ફરતી જોવા મળી હતી અને ઘણા પુરુષો તેને ફિલ્માવી રહ્યા હતા.

Manipur_HD News
@PTI

મામલો અહીં જ અટક્યો ન હતો. ભારતને પણ જુલાઈમાં કુદરતનો માર સહન કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યને વિનાશક ભૂસ્ખલન અને પૂરનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર સુંદર પર્યટન સ્થળની સુંદરતાનો નાશ કર્યો હતો અને કરોડોની સંપત્તિ વેરવિખેર બની હતી. સરકારી અંદાજ મુજબ, રાજ્યને અંદાજે 12,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ તોફાની મહિનામાં ભારતે 14 જુલાઈએ એક ઐતિહાસિક પગલું ભર્યું.આ દિવસે ભારતે તેનું ચંદ્રયાન મિશન-3 લોન્ચ કર્યું હતું.

ઓગસ્ટમાં ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર પહોંચી ઈતિહાસ રચ્યો

@ISRO

ઓગસ્ટ મહિનો ભારત માટે ઐતિહાસિક મહિનો સાબિત થયો. હકીકતમાં, 23 ઓગસ્ટના રોજ, ભારતે તેના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત એકમાત્ર દેશ બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થવા લાગી. દરેકે ભારતને તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સપ્ટેમ્બરમાં ભારતે G-20ની અધ્યક્ષતા કરી

સપ્ટેમ્બર મહિનામાં પણ ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. હકીકતમાં આ મહિને નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરાયું હતું. રાજધાનીમાં આયોજિત આ સમિટમાં ઘણા શક્તિશાળી વૈશ્વિક નેતાઓએ ભાગ લીધો હતો. આ સમિટમાં અમેરિકાના પ્રમુખ જો બિડેન, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વભરના અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. G-20 સમિટમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી હતી.

@narendramodi

મહિલા આરક્ષણ બિલ અથવા નારી શક્તિ વંદન એક્ટને 29 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની સંમતિ મળી હતી, જેનાથી તે કાયદો બનવાનો માર્ગ મોકળો થયો હતો. આ સાથે જ લોકસભા અને દેશની તમામ વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. આ બિલ સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું.

ઑક્ટોબરમાં ભારતે એશિયન ગેમ્સમાં 107 મેડલ જીત્યા

G-20 ની સફળતા બાદ P-20 સમિટનું આયોજન ભારતમાં 13-14 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર’, દ્વારકા દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. P-20 સમિટમાં G20 દેશોની સંસદના સ્પીકર્સ અને અધ્યક્ષોએ ભાગ લીધો હતો. આ સમિટમાં 25 દેશોના પ્રમુખ અધિકારીઓ અને G20 સભ્ય દેશોના 10 ડેપ્યુટી સ્પીકરોએ ભાગ લીધો હતો.

એશિયન ગેમ્સ-HDNEWS
@Media_SAI

ચીનમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતે 100 મેડલનો આંકડો સ્પર્શીને વધુ એક ઈતિહાસ રચ્યો છે. ભારતે હાંગઝોઉ 2023માં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સહિત કુલ 107 મેડલ જીત્યા હતા.

આ મહિને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો અને સર્વસંમતિથી ગે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ નિર્ણય પણ એકદમ શાંતિપૂર્ણ રીતે અપનાવવામાં આવ્યો હતો.

નવેમ્બરમાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા મજૂરોનો આબાદ બચાવ

નવેમ્બર મહિનો અનેક પાસાઓથી ઘણો મહત્ત્વનો હતો. હકીકતમાં, જ્યારે આખો દેશ દિવાળીનો તહેવાર ઉજવી રહ્યો હતો, ત્યારે ઉત્તરાખંડમાં સિલ્ક્યારા સુરંગ તૂટી પડતાં 41 મજૂરો ફસાઈ ગયા. દેશે જોયેલી આ એક અલગ પ્રકારની અસાધારણ કટોકટી હતી. વાસ્તવમાં, એક પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 41 મજૂરો રાબેતા મુજબ તેમના કામ પર ગયા હતા, પરંતુ કમનસીબે ટનલના માર્ગ પર ભૂસ્ખલન થતાં તમામ 41 મજૂરો તેમાં ફસાઈ ગયા હતા. 13-14 દિવસ સુધી વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને પ્રયાસો દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

@ANI

ક્રિકેટ પ્રેમીઓ માટે તે ખૂબ જ દુઃખદ હતું. વાસ્તવમાં, ભારતે વર્લ્ડ કપ સિરીઝમાં ઘણી સફળતા હાંસલ કરી હતી અને 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમી હતી. જો કે, તે સાંજે દેશના લગભગ 1.4 અબજ લોકોના હૃદય તૂટી ગયા હતા. 40 રાત સુધી અજેય રીતે આગળ વધ્યા બાદ ભારતને 41મી રાત્રે ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ડિસેમ્બરમાં સંસદ હુમલાની વરસી પર ફરીવાર હુમલો થયો  

ડિસેમ્બરની શરૂઆત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. વાસ્તવમાં, 3 ડિસેમ્બરે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા, જ્યાં ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી. તે જ સમયે, તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPM પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી.

સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બર, 2023ના રોજ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી, જેને હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જમ્મુ-કાશ્મીરને જલ્દી રાજ્યનો દરજ્જો આપવામાં આવે.

Parliament Security Breach
Parliament Security Breach

બીજી મોટી ઘટના ડિસેમ્બરના મધ્યમાં સંસદ હુમલાની વરસી પર કરવામાં આવી હતી. હકીકતમાં લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી પડ્યા અને કેનમાંથી પીળો ધુમાડો છોડ્યો. જો કે, આ મુદ્દો સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યો. હાલમાં દિલ્હી પોલીસ અને સ્પેશિયલ સેલ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: વિદાય 2023ઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી

Back to top button