ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

રાત્રે જમી માઝા પીને સુઈ ગયેલો પરિવાર સવારે ઉઠ્યો જ નહીં, ડોક્ટરો પણ ગોથે ચડ્યા

ગાંધીનગર, 05 જૂન 2024, ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યાં હતાં ત્યારે લોકોને આ પ્રકારના કેસ કેમ બની રહ્યાં છે તે અંગે સવાલો થયાં હતાં. પરંતુ ગાંધીનગરમાં એક એવો કેસ આવ્યો છે. જેમાં ખુદ ડોક્ટરો પણ ગોથે ચઢ્યાં હતાં. જૂના કોબામાં રહેતા પરિવારના ચાર સભ્યો રાત્રે પરવારીને સોફ્ટ ડ્રીંક માઝા પીને સુઈ ગયા હતાં. તેઓ મંગળવારે સવારે મોડે સુધી ઉઠ્યા જ નહોતા. જેથી તેમને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન ચારેયને કોઈ ફૂડ પોઈઝનિંગની અસર નહી હોવાનું જણાતા ડોક્ટરો પણ મુંઝાયા હતાં. પોલીસે ચારેયના બ્લડ સેમ્પલ તેમજ માઝાના સેમ્પલ લઈ FSLમાં તપાસ માટે મોકલી આપ્યા હતાં.

પરિવારે રાત્રે જમીને માઝા પધી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના જુના કોબામાં વાળંદ પરિવાર સાથે ઘટેલી ઘટનાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરોની સાથે પોલીસ પણ ગોથે ચડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરના જુના કોબામાં રહેતા જીગ્નેશભાઈ વાળંદ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના પરિવારમાં પત્ની વર્ષાબેન , દીકરો પ્રસંગ તેમજ પિતા બાબુભાઈ અને માતા કૈલાસબેન છે. સોમવારે નિત્યક્રમ મુજબ જીગ્નેશભાઈ પોતાની દુકાને ગયા હતા. ત્યારે મોડી સાંજે તેમના પત્ની વર્ષાબેને ખીચડી, બટાકા મિક્સ સબજી, ભાખરીની વાનગીનાં ભોજન સાથે છાસ પણ તૈયાર રાખી હતી. બાદમાં જીગ્નેશભાઈ ગામની એક દુકાનેથી માઝાની બોટલ લઈને ઘરે ગયા હતા. રાત્રિ ભોજન કર્યા પછી વર્ષાબેન સિવાય જીગ્નેશભાઈ તેમના દીકરા પ્રસંગ અને માતા પિતાએ માઝા પીધી હતી. બાદમાં મોડી રાતના પરીવારના તમામ સભ્યો સૂઇ ગયા હતા.

મોડે સુધી ભાનમાં નહીં આવતાં પોલીસને જાણ કરાઈ
બીજા દિવસે મંગળવાર સવારે નિત્યક્રમ મુજબ જાગેલા વર્ષાબેન રોજીંદા કામ કરવા લાગ્યા હતા. જો કે પતિ, દીકરો અને સાસુ સસરા સૂર્ય માથે ચડવા આવ્યો છતાં ઉઠયા ન હતા. એટલે તેમણે બધાને જગાડવાનાં પ્રયત્નો કર્યા હતા. પરંતુ ચારેય જણાં નિષ્તેજ રીતે સુષુપ્ત અવસ્થામાં પોઢી ગયેલાનું જોઈ વર્ષાબેન ગભરાઈ ગયા હતા અને આસપાસના પાડોશીઓની મદદથી ચારેયને સુષુપ્ત અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ચારેયને દાખલ કરીને સઘન સારવાર શરૂ કરી હતી. જેઓના જરૂરી રિપોર્ટ કરતા ફૂડ પોઈઝનિંગની અસર પણ નહીં હોવાનું સામે આવતા ડોકટરો પણ ગોથે ચડયા હતા. જેઓ ગઈકાલ મોડે સુધી ભાનમાં નહીં આવતાં પોલીસને જાણ કરાઈ હતી.

નમૂના લઈને એફએસએલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, આજે ચારેય જણા ભાનમાં આવી ગયા છે. અને સિવિલમાં સારવાર ચાલી રહી છે. રાત્રિ ભોજન પછી જીગ્નેશભાઈ તેમના પુત્ર અને માતા પિતાએ માઝા પીધી હતી અને રાત્રીના સૂઇ ગયા હતા. જોકે, બીજા દિવસે પણ તેઓ નહીં ઉઠતાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષાબેનની પણ પૂછતાંછમાં પણ એવી કોઈ શંકાજનક બાબત સામે આવી નથી. તો માઝાની બોટલ પણ એક્સપાયર્ડ તારીખની નથી. જેથી જાણવા જોગ નોંધ કરીને ચારેયનાં બ્લડ સેમ્પલ, માઝા સહીતના જરૂરી નમૂના લઈને એફએસએલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જે રીપોર્ટ આવ્યા પછી આવી ઘટના ઘટવાનું ચોક્કસ કારણ બહાર આવશે.

આ પણ વાંચોઃઅમદાવાદની સિવિલ હોસ્પિટલને સાડા 3 વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું

Back to top button