વાંકાનેર પાસે દોઢ વર્ષથી ધમધમતુ હતું નકલી ટોલનાકુ, હવે અચાનક સરકારી તંત્ર એક્શનમાં આવ્યું
મોરબી, 4 ડિસેમ્બર 2023: વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે કેટલાક બાહુબલિઓએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું ઊભું કર્યું છે. આ બાહુબલીઓએ વાહનચાલકો પાસેથી ટોલનાકા કરતા અડધા ભાવે ઉઘરાણું કર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ગેરકાયદે ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે અને પોલીસ સહિત સરકારી વિભાગના ટોચના અધિકારીઓ મુર્ખ બની રહ્યાં છે. બેફામ પણે જમીન માલિકો ટોલના નામે કરોડો રૂપિયા ઉઘરાવી રહ્યાં છે. હવે આ કેસમાં વ્હાઇટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે બામણબોરથી કચ્છ તરફ જવાના રસ્તા પર વઘાસિયા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા બનાવ્યું છે. જ્યાં રોજ ફોર વ્હીલ વાહનચાલક પાસેથી રૂ. 50, મેટાડોર અને આઈસરના ચાલક પાસેથી રૂ. 100 અને ટ્રકના ચાલક પાસેથી રૂ. 200નું ઉઘરાણું થઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે. ટોલનાકુ ઉભુ કરનારા લોકો કરોડો રૂપિયા ઉઘરાવી ઘરભેગા કરી રહ્યા છે. ત્યારે આ કેસમાં દોઢ વર્ષ બાદ પોલીસ અને સરકારી કર્મચારીઓનું ધ્યાન જતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણાં
સરકારની નજર સામે જ કેટલાક બાહુબલીઓ આ ટોલ પ્લાઝા પરથી પોતે ટોલના રૂપિયા ઉઘરાવીને ઘર ભરી શકાય તે માટે વ્હાઈટ હાઉસ નામની બંધ ફેક્ટરીમાંથી રસ્તો બનાવી અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણાં કરી રહ્યા છે. વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર રમેશ અન્નામરેડીએ બાહુબલિઓ દ્વારા ઊભા કરાયેલા ટોલનાકા સંદર્ભે જે બંધ ફેક્ટરીમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે. તે બાબતે ફેક્ટરીના સંચાલકોને નોટિસ પણ પાઠવી હતી અને આ ગેરકાયદે કૃત્ય તાકીદે બંધ કરવા પણ જણાવ્યું હતું. આમ છતાં પોતાને આર્મીમેન ગણાવતો રવિ નામનો શખસ અને તેની ટોળકી દાદાગીરીથી રૂપિયા ઉઘરાવી રહ્યા છે.
વાંકાનેર પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી
આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. મામલતદારની ટીમે બામણબોર ટોલનાકાની વિઝીટ કરી હતી. જિલ્લા કલેક્ટર અને એસપીએ તપાસના આદેશ આપ્યા બાદ હવે એસડીએમની એક ટીમ, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસની ટીમો ગેરકાયદેસર ટોલનાકા મામલે તપાસ ચલાવશે. સ્થળ મુલાકાત કર્યા બાદ તપાસ ટીમ કલેક્ટર અને એસપીને રીપોર્ટ આપશે તો રીપોર્ટ આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અને એસપી કડક પગલા ભરશે તેવી ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ વનકર્મીને માર મારવાના કેસમાં હાઈકોર્ટે MLA ચૈતર વસાવાની આગોતરી જામીન અરજી ફગાવી