કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતફૂડહેલ્થ

જામનગર પંથકમાંથી ઝડપાઈ નકલી દૂધની ફેકટરી, જુઓ કેમ બનતું હતું ?

Text To Speech
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે આ ફેક્ટરી પર ડાલડા ઘી, પાવડર અને પાણીના મિશ્રણથી દૂધ બનાવવામાં આવતું હતું. પોલીસે આશરે 800 લીટર દૂધનો જથ્થો નાશ કર્યો છે. આ ઉપરાંત 42 નંગ વનસ્પતિ ઘી ના ડબ્બા, પાવડરના 14 બાચકા અને મશીનરી સહિતનો જથ્થો સીઝ કર્યો છે. પોલીસે સંચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે. આ રેકેટ કેટલા સમયથી અને કેટલા વિસ્તારમાં પ્રસરેલું છે ? તેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે.
જામનગર એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડી ફેકટરી
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લામાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. કાલાવડ તાલુકાના હરિપર ગામે અમુક શખ્સો નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ કરી જન આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાની ચોક્કસ હકીકત એસઓજીને મળી હતી. આ હકીકતના આધારે પીઆઇ આર.વી. વીંછી સહિતના સ્ટાફે આ દિશામાં કાર્યવાહી કરી હતી. પોલીસે હરિપર ગામે દરોડો પાડી બનાવટી દૂધની ફેક્ટરી પકડી પાડી છે. અહીં વનસ્પતિ ઘી, અમૂલનો પાવડર અને પાણી ભેળવીને વિપુલ પ્રમાણમાં દૂધ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. અહીંથી બનાવવામાં આવતું દૂધ ડેરીમાં જતું હતું કે લોકોના ઘર સુધી જતું હતું ? તેની વિગતો હવે જાહેર થશે. પોલીસે ફેક્ટરીમાંથી નકલી દૂધ બનાવવાની મશીનરી ઉપરાંત વનસ્પતિ ઘીના 42 ડબા ભરેલા અને અમુલ પાવડરના 14 બાચકા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત દાળઢડા ઘી પાવડર અને પાણીમાંથી બનાવવામાં આવેલ 800 લીટર નકલી દૂધનો જથ્થો નાશ કર્યો હતો.
છેલ્લા પાંચ વર્ષથી ધમધમતી હતી નકલી દૂધ બનાવવાની ફેકટરી
આ મીની ફેકટરી ઝડપાવવા અંગે પોલીસે આપેલી માહિતી અનુસાર એસઓજીની ટીમે બાતમીના આધારે આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં છેલ્લા પાંચ વર્ષથી જન આરોગ્ય સાથે ચેડાં કરતા ગોરખધંધા આચરવામાં આવતા હતા. દૂધ બનાવનાર શખ્સોએ હજારો લીટર નકલી દૂધ બનાવી તેનું વેચાણ કરી નાખ્યાંનું સામે આવ્યું છે.
રાજકોટ દરરોજ સેંકડો લીટર દૂધ મોકલવામાં આવતું હતું
જામનગર એસઓજીએ હરીપર મેવાસા ગામેથી ઝડપી લીધેલી ડુપ્લીકેટ દૂધ બનાવવાની ફેકટરી અંગે વધુ તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ ફેકટરીમાં બનતું હજારો લીટર દૂધ પૈકીનું મોટાભાગનું દૂધ રાજકોટ મોકલવામાં આવતું હતું.
Back to top button