સુરતમાંથી નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ, કેમિકલ મિશ્રિત કરી દારુ બનાવતા બે આરોપીઓની ધરપકડ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ હોવાની વિગતો સામે આવી છે. ઈચ્છાપોર વિસ્તારમાં નકલી દારુ બનાવવામાં આવ્યો હતો જ્યાં પીસીબીએ દરોડો પાડીને 9.28 લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે.આ સાથે બે આરોપીઓને પણ ઝડપ્યા છે.
સુરતમાં કેમિકલ મિશ્રિત દારૂની ફેકટરી ઝડપાઈ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી નકલી દારુ બનાવવામાં આવી રહ્યો હતો.ત્યારે પીસીબીએ દરોડો પાડીને નકલી દારુની ફેક્ટરી ઝડપી પાડી છે.જેમાંથી 9.28 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે.આ સાથે બે આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યો છે.જેઓ આ નકલી દારુ બનાવવાની ફેક્ટરીનુ સંચાલન કરતા હતા. તેઓ અલગ અલગ બ્રાન્ડની બોટલોમાં નકલી દારુને મશીન વડે પેક કરીને સુરત વિસ્તારમાં વેચતા હતા.આ બંન્ને શખ્શો અગાઉ પણ દારુના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે.હવે પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે રેડ પાડી બે રીઢા આરોપીઓને રંગેહાથ ઝડપ્યા
પ્રાપ્ત જાણકારી મુજબ સુરત પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન તેઓને ઈચ્છાપોર ગામ ડાયમંડ નગર કો.ઓ. હાઉસિંગ સોસામાં આવેલા એક બંગલામાં બે ઈસમો દ્વારા બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પીસીબી પોલીસની ટીમે અહીં રેડ પાડી હતી , અને બે ઈસમોને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલમાં કેમિકલયુક્ત દારૂ ભરતા રંગેહાથ ઝડપી લીધા હતા.અને દારૂની ખાલી અને ભરેલી બોટલો, 4 મોબાઈલ, પ્લાસ્ટિકના કેરબા, ઢાંકણ, સ્ટીકર, બાટલીને બુચ મારવાનું હેન્ડ મેકર પ્રેશર મશીન, એક ફોર વ્હીલ મળી કુલ9.28 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપી રાજસ્થાનનાં મિત્ર પાસે દારૂ બનાવતા શીખ્યો હતો
આરોપી કલ્પેશ રામચંદ્રભાઈ સામરિયા તથા દુર્ગાશંકર ઉદયલાલ ખટીકની ધરપકડ કરી હતી અને તેઓની પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરીયા અગાઉ રાજસ્થાન તથા દમણ ખાતેથી દારૂની હેરાફેરી કરતો હતો.પરંતુ પોલીસ દ્વારા તેને ત્રણેક વખત દારૂ સાથે ઝડપી પાડી તેની ઉપર કેસ કરવામાં આવ્યો હતો. જેથી તેણે રાજસ્થાન ખાતે જઈ તેના મિત્રો પાસેથી જાતે જ દારૂ બનાવવાનું શીખી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં સરકારની એન્ટ્રી, થોડી વારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુખ્યમંત્રી કરશે બેઠક