બે ગનર્સ, ડ્રાઈવર અને લાલબત્તીવાળી ગાડી સાથે ફરતો હતો નકલી IAS! નોઇડાથી પકડાયો
- નકલી IASનો ઢોંગ કરનાર આરોપી પાસેથી એક રિવોલ્વર અને પિસ્તોલ પણ મળી આવી છે
નોઈડા, 23 ઓગસ્ટ: નોઈડામાં પોલીસે આજે શુક્રવારે એક નકલી IAS અધિકારીની ધરપકડ કરી છે, જેની સાથે બે ગનર્સ(બંદૂકધારી) હતા. પોલીસે તેના બે ગનર્સ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ આરોપી પદનો પાવર બતાવીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. તેની પાસેથી એક રિવોલ્વર અને પિસ્તોલ પણ મળી આવી છે. બે બંદૂકધારીઓ સિવાય તે એક ડ્રાઈવર પણ સાથે રાખતો અને લાલબત્તીવાળી કાર પણ રાખતો હતો.
ગૃહ મંત્રાલયમાં જોઈન્ટ ડાયરેક્ટર હોવાનું કહીને પૈસા પડાવતો હતો
મળતી માહિતી મુજબ, આ નકલી IAS અધિકારી અલગ-અલગ વિભાગના અધિકારીઓ પાસે જતો હતો અને IAS હોવાનું બહાનું કરીને કામ કરાવવા માટે દબાણ કરતો હતો. આ સિવાય તે લોકો સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવતો હતો. પોલીસનું કહેવું છે કે, IAS અધિકારી હોવાનો દાવો કરનાર આરોપીનું નામ કૃષ્ણ પ્રતાપ સિંહ છે. તે પદનો પાવર બતાવતો હતો અને લોકોને કહેતો હતો કે, તેની પોસ્ટિંગ ગૃહ મંત્રાલયમાં છે અને તે ત્યાં જોઈન્ટ ડાયરેક્ટરની પોસ્ટ પર પોસ્ટેડ છે. તેની સાથે બે બંદૂકધારીઓને જોઈને લોકો તેની વાત સ્વીકારી લેતા હતા.
આ મામલે ADCPએ શું કહ્યું?
આ સમગ્ર મામલા અંગે ADCP મનીષ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, એક વાહન પકડાયું હતું જેમાં ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ પોતાને IAS ઓફિસર ગણાવ્યો હતો. તેણે પોતાની સાથે બે ગનર્સ પણ રાખ્યા હતા. તે IAS હોવાનું નાટક કરીને લોકો પર દબાણ કરતો હતો અને પૈસા પડાવતો હતો. પોલીસે ચાર લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ જૂઓ: પાકિસ્તાની સૈનિકનો ભાઈ છે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી, જાણો પૂછપરછ દરમિયાન શું-શું થયા ખુલાસા