ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નકલી સમૂહ લગ્ન કૌભાંડઃ UPમાં 568 જોડીનાં ફેક લગ્નકાંડમાં 15ની ધરપકડ

લખનૌ (ઉત્તર પ્રદેશ), 04 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના બલિયામાંથી નકલી સમૂહ લગ્ન કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરાઈ છે. આ નકલી સમૂહ લગ્ન સમારોહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લગ્ન માટે આવેલા વર પોતાની જાતે માળા પહેરતા અને કન્યાઓ ઘૂંઘટ ઓઢીને ઊભેલી જોઈ શકાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ જ લોકોને આ નકલી સમૂહ લગ્નનો પર્દાફાશ થયો હતો. માહિતી અનુસાર, આ લગ્ન 25 જાન્યુઆરીના રોજ યોજાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યક્રમમાં લગભગ 568 યુગલોએ લગ્ન કર્યા હતા. જો કે, બાદમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, ઘણા યુગલોને વર-કન્યા બનવા માટે પૈસા ચૂકવાયા હતા.

કન્યાઓ પોતાની મેળે વરમાળા પહેરતી હતી

એક સ્થાનિક વ્યક્તિએ આક્ષેપ કર્યો હતો કે સામૂહિક લગ્નમાં વર અને કન્યા તરીકે કામ કરવા માટે યુવક-યુવતીઓને ₹500થી ₹2,000 સુધીના પૈસા ચૂકવવામાં આવતા હતા. વિમલ કુમાર પાઠકે જણાવ્યું કે, કેટલીક કન્યાઓ સાથે કોઈપણ નહોતું, તેઓ પોતાની જાતે વરમાળા પહેરતી હતી. ત્યાંથી અમને જાણવા મળ્યું કે, નકલી લગ્ન રચવા માટે યુવક-યુવતીઓને પૈસા ચૂકવવામાં આવ્યા છે.

રાજકુમારે કહ્યું કે, હું ત્યાં લગ્ન જોવા ગયો હતો અને ત્યાં મને બેસાડી દીધો. આયોજકોએ કહ્યું કે, અમે તને અહીં બેસવાના પૈસા આપીશું. ઘણા લોકોને ત્યાં પૈસાની લાલચમાં બેસાડવામાં આવ્યા હતા. સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ ભાજપના ધારાસભ્ય કેતકી સિંહ હાજર હતા. કથિત છેતરપિંડીમાં સરકારી અધિકારીઓની સંડોવણી વિશે પૂછવામાં આવતા વિમલ કુમારે કહ્યું કે, તેઓએ મને બે દિવસ પહેલાં લગ્ન વિશે જણાવ્યું હતું, ત્યારે મને શંકા થઈ કે કંઈક ખોટું થઈ રહ્યું છે પરંતુ હવે આ મામલે પોલીસ સક્રિય બની છે.

શું છે સમગ્ર મામલો?

બલિયા જિલ્લામાં 568 યુગલોના લગ્ન થયા. પરંતુ હવે તે છેતરપિંડી હોવાનું બહાર આવ્યું છે. સેંકડો વરરાજાઓના કન્યા વગર લગ્ન કરાવી દેવાયા હતા. ઘણી નવવધૂઓ પોતાના હાથથી તેમના ગળામાં માળા પહેરતી જોવા મળી હતી. એટલું જ નહીં, બુરખો પહેરેલી ઘણી મુસ્લિમ દુલ્હનોએ પણ પોતાના હાથે માળા પહેરી હતી. સરકારી વેબસાઈટ મુજબ, સરકાર આ યોજના હેઠળ ₹51,000 પ્રદાન કરે છે, જેમાંથી ₹35,000 છોકરીને આપવામાં આવે છે, ₹10,000 લગ્નની વસ્તુઓ ખરીદવા માટે અને ₹6,000 મંડપ માટે આપવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓને કોઈ પૈસા ટ્રાન્સફર થાય તે પહેલા જ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો હતો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આમાંની ઘણી યુવતીઓ ફરવા માટે આવી હતી અને પૈસાની લાલચ આપીને સમૂહ લગ્ન યોજનામાં ભાગ લેવા માટે છેતરપિંડી કરાઈ હતી. જેથી ગણતરી કાગળ પર થાય છે અને સરકારી તિજોરીમાંથી પૈસા લેવામાં આવે છે. જો કે, આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. તેમજ અત્યાર સુધી 15ની ધરપકડ કરાઈ છે અન્યની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો: GSTમાં કૌભાંડોનો પડઘો વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યો, દિલ્હીથી ટાસ્ક સાથે IAS આવશે!

Back to top button