નકલી વીમા પોલિસી વેચતા નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, 11ની ધરપકડ
નોઈડા, 7 જુલાઈ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં પોલીસે બે ભૂતપૂર્વ વીમા એજન્ટોની ધરપકડ કરી છે. તેમના પર નકલી લોન અને વીમા પોલિસી વેચીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે આશિષ અને જીતેન્દ્ર નામના આ બંને આરોપીઓ 2019માં SBI લાઈફ ઈન્સ્યોરન્સમાં કામ કરતા હતા. નોકરી છોડ્યા બાદ તેમણે ઈન્ડિયામાર્ટમાંથી આશરે 10,000 લોકોનો ડેટા 2,500 રૂપિયામાં ખરીદ્યો અને પછી આ લોકોને લોન અને ઈન્સ્યોરન્સ આપવાના બહાને ફોન કરીને છેતરપિંડી કરવાનું શરૂ કર્યું. આ છેતરપિંડીનો ધંધો નોઈડાના સેક્ટર 51 સ્થિત બિલ્ડિંગના ચોથા માળે ચાલી રહ્યો હતો. પોલીસે આ મામલામાં નવ મહિલાઓ સહિત 11 લોકોની ધરપકડ કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ નકલી કોલ સેન્ટર એક વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું હતું. ઝડપાયેલી 9 મહિલાઓ કોલ સેન્ટરમાં એક્ઝિક્યુટિવ તરીકે ઓળખ આપીને લોકોને ફોન કરતી હતી. તે સૌપ્રથમ લોકોને નકલી લોન અને વીમા પોલિસી વિશે માહિતી આપતી અને જ્યારે ગ્રાહકો ફસાઈ જાય ત્યારે ખેલ પડતા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગેંગના સભ્યો નકલી આધાર કાર્ડ દ્વારા સિમ કાર્ડ ખરીદતા હતા અને તેમની ઓળખ છુપાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા.
ખોટા વચનો અને વધુ વળતર આપીને ગ્રાહકોને ફસાવતા
આ છેતરપિંડીમાં સંડોવાયેલા આ આરોપીઓ પહેલા લોકોને લોન અને આકર્ષક વીમા પોલિસી પર ઊંચા વળતરની લાલચ આપીને લલચાવતા હતા. આ ટોળકી કમિશનના ધોરણે કામ કરતી હતી, એટલે કે જેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, તેટલી વધુ કમાણી કરી હતી. પીડિતો પાસેથી મળેલી રકમ કર્ણાટકના અરવિંદ નામના વ્યક્તિના પંજાબ નેશનલ બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી. અરવિંદને આ એકાઉન્ટ ભાડે આપવા માટે દર મહિને 10,000 રૂપિયા મળતા હતા. ત્યારબાદ આશિષ અને જીતેન્દ્ર નોઈડામાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડતા હતા.
પોલીસને બ્લેક ડાયરી મળી
પોલીસે દરોડા દરમિયાન આશિષ પાસેથી બ્લેક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં એક વર્ષથી ચાલતા આ કૌભાંડ દરમિયાન થયેલા દરેક વ્યવહારોની વિગતો હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું હતું કે સીઆરટી અને સ્થાનિક સેક્ટર 49 પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન કરીને આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે રાંચીમાં આ ગેંગ વિરુદ્ધ આવો જ કેસ નોંધવામાં આવ્યો છે.
બંને આરોપી ભૂતપૂર્વ વીમા એજન્ટો હતા
ડીસીપીએ કહ્યું કે આરોપી આશિષ અને જિતેન્દ્રએ એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સમાં કામ કર્યા બાદ 2019માં આ છેતરપિંડી શરૂ કરી હતી. તેમણે ઈન્ડિયા માર્ટમાંથી લગભગ 10,000 લોકોનો ડેટા 2,500 રૂપિયામાં ખરીદ્યો અને લોન અને ઈન્સ્યોરન્સ આપવાના બહાને ભારતભરના લોકોને ફોન કરવાનું શરૂ કર્યું. પોલીસે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મુખ્ય આરોપી આશિષ કુમાર ઉર્ફે અમિત અને જિતેન્દ્ર વર્મા ઉર્ફે અભિષેક તરીકે કરી છે. ધરપકડ કરાયેલ નવ મહિલાઓની પણ ઓળખ થઈ ગઈ છે. નવા ભારતીય ન્યાયિક સંહિતાની જોગવાઈઓ હેઠળ આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.