જૈનોના આસ્થાના શિરમોર સમેત શિખરની કલ્યાણક ભૂમિની યાત્રા માટે વડોદરા શહેરના 1050 શ્રાવક-શ્રાવિકાઓએ ખાસ ટ્રેન દ્વારા પ્રસ્થાન કર્યું હતું. તેઓ 15 દિવસ દરમિયાન સમેત શિખર સહિત 94 કલ્યાણકોની સ્પર્શના સાથે ભક્તિ કરશે.
આ પણ વાંચો: ગુજરાત: 144 કલમ લાગેલી હશે અને કોઇ ઈન્ટનેટ વાપરશે તો પોલીસ ગુન્હો દાખલ કરશે
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જૈનોએ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો
વિશ્વવિખ્યાત તીર્થક્ષેત્ર સમેત શિખરને પર્યટક સ્થળ બનાવવાના સરકારના મનસુબા સામે દેશભરમાં વિરોધ વંટોળ ફુંકાયો છે. જૈનોની પરમ આસ્થાની ગરિમા ગણાતા સમેત શિખરને પર્યટક સ્થળ બનાવાય તો પવિત્રતા જોખમાવા સાથે બદી ફેલાવાની સંભાવના હોઇ જૈન સમાજે આંદોલનનું રણશિંગુ ફુંક્યુ છે. સંજોગવસાત પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મંગળવારે સવારે શહેરના 1050 શ્રાવક-શ્રાવિકાઓ ખાસ ટ્રેન દ્વારા સમેત શિખરની યાત્રાએ નિકળ્યા છે. તેઓ 15 દિવસ દરમિયાન તીર્થંકરોના નિર્વાણ કલ્યાણક પારસનાથ પહાડ-સમેત શિખર, લછવાડ, પાવાપુરી, રુજુ વાટિકા, હસ્તિનાપુર, ભદોની, રાજગ્રહી, બનારસ સહિતના તીર્થસ્થાનોએ ભગવાનના જન્મદીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ કલ્યાણક ભૂમિની સ્પર્શના કરશે. જૈન સમાજના અગ્રણી મનહરભાઇ ભોગીભાઇ શાહ સાથે 570 શ્રાવકો અને 40 શ્રાવિકાઓ યાત્રામાં જોડાયા છે. જૈન મહાતીર્થ એવા સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના નિર્ણય અને પાલીતાણામાં શેત્રુંજય પાલીતાણામાં થતા ખનન સામે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જૈનોએ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર
અનેક મહાનગરોમાં જૈન સમાજ દ્વારા રેલી યોજી આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજકોટમાં પણ જૈન સમાજના લોકો એકત્ર થઇ વિશાળ રેલી યોજી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજની આ મહારેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા અને મંદિરમાં તોડફોડ મુદ્દે રેલીમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પાલિતાણામાં પર્વત પર ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
પર્યટન સ્થળ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની એક રેલી નીકળી હતી. આ રેલી દરમિયાન એક માસના બાળક સાથે દંપતી જોડાયું હતું, જ્યારે એક જૈન અગ્રણીએ રસ્તા પર આળોટીને શેત્રુંજય મહાતીર્થને બચાવવાનો પોકાર કર્યો હતો અને મણિયાર દેરાસરથી લઇને કલેકટર કચેરી સુધી રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યો હતો. તો બીજી તરફ રાજકોટમાં યોજાયેલી રેલીમાં લોકો પોતાની માગણીઓને બેનરમાં લખીને મંત્રોચ્ચાર તથા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, સમાજનાં નાનાં બાળકો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી, આ રેલીમાં એક જૈન પરિવાર પોતાના એક મહિનાના બાળક સાથે જોડાયું હતો. અન્ય જૈન અગ્રણીએ મીડિયાને જણાવ્યું હતું કે સંમેત શિખરને જે પ્રમાણે પર્યટન સ્થળ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એને અનુલક્ષીને જૈન સમાજમાં ભારે વિરોધ છે.
તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવા પણ માગણી
જો ધાર્મિક સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તો એની પવિત્રતા જાળવી નહીં શકાય તેમજ રોહીશાળા સ્થિત ભગવાનના પ્રાચીન પગલાને પણ નુકસાન કરનારાં અસામાજિક તત્ત્વો સામે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, એ અંગે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તળેટી વિસ્તારમાં બાબુના દેરાસર આસપાસ જમીન ઉપર થયેલાં દબાણો કરનારા વિરુદ્ધ પગલાં લેવામાં આવે. જૈન સમાજની આસ્થાના કેન્દ્ર સમાન તીર્થસ્થાનોની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓની રહેતાં દારૂના અડ્ડા તેમજ નોનવેજનું વેચાણ થઈ રહ્યું છે, એ બાબતે તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવા પણ માગણી કરવામાં આવી હતી.