IPL-2024વિશેષસ્પોર્ટસ

‘વિરાટ મને એક વસ્તુ બાબતે ખૂબ ખર્ચો કરાવે છે’: ફાફ દુ પ્લેસીની ફરિયાદ

Text To Speech

9 મે, બેંગલુરુ: 2022થી સાઉથ આફ્રિકાના બેટ્સમેન ફાફ દુ પ્લેસી વિરાટ કોહલી સાથે RCBમાં રમે છે. ફાફ અહીં કેપ્ટન છે અને વિરાટ કોહલી સાથે તેની પાક્કી દોસ્તી પણ થઇ ગઈ છે. પરંતુ ફાફ દુ પ્લેસીની વિરાટ કોહલી વિશે એક ફરિયાદ પણ છે.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફાફ દુ પ્લેસીએ પોતાની અને વિરાટ કોહલી વચ્ચેની દોસ્તી વિશે અનેક વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે અમને બંનેને વિવિધ પ્રકારના ફૂડ એક્સ્પ્લોર કરવાનો ખૂબ શોખ છે. અમને બંનેને ફેશન પણ ખૂબ ગમે છે. સિઝન હોય કે ન હોય અને એકબીજા સાથે વિવિધ પ્રકારના કપડાંઓ વિશે સતત વાત કરતાં હોઈએ છીએ. અમે એકબીજાની સ્ટાઈલો વિશે પણ ચર્ચા કરતાં રહીએ છીએ.

ત્યારબાદ RCBના કપ્તાને પેલી ફરિયાદ વિશે વિસ્તારમાં વાત કરી હતી. ફાફ દુ પ્લેસીની ફરિયાદ અને એ પણ વિરાટ કોહલી વિશે એવી છે કે વિરાટને ઘડિયાળો ખૂબ ગમે છે. તે કહે છે કે જ્યારે કોઈ ઘડિયાળ પસંદ કરવાની વાત આવે ત્યારે વિરાટ આખો બદલાઈ જાય છે. ફાફના કહેવા અનુસાર વિરાટ કોહલી ખૂબ જનૂન સાથે ઘડિયાળ પસંદ કરીને તેને ખરીદતો હોય છે.

ત્યારબાદ ફાફ ફરિયાદના સૂરમાં કહે છે કે તેની (વિરાટની) વારંવાર ઘડિયાળો ખરીદવાની ટેવ અને તેના એ બાબતના પેશનને લીધે તે પણ વિરાટ સાથે નવી નવી ઘડિયાળો ખરીદવા માટે દોરવાઈ જાય છે અને તે પણ આવી મોંઘી ઘડિયાળો ખરીદી લે છે. પરિણામે તેને ખૂબ ખર્ચો થઇ જાય છે.

ફાફ દુ પ્લેસીના કહેવા અનુસાર ફક્ત તે અને વિરાટ એકલા જ મિત્રો નથી પરંતુ તેમના પરિવારોને પણ એકબીજા સાથે ખૂબ બને છે. તેના કહેવા અનુસાર વિરાટને પણ એક દીકરી છે (અને હવે તો એક દીકરો પણ છે) અને પોતાને પણ બે દીકરીઓ છે. ઉપરાંત બંનેની પત્નીઓની ઉંમર એક સરખી હોવાથી એ બંને પણ એક બીજા સાથે ખૂબ સારી રીતે ભળી જતી હોય છે. ફાફ અને વિરાટની જેમ તેમની પત્નીઓ પણ એકબીજાની સારી મિત્ર બની ગઈ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે ધરમસાલામાં પોતાની મહત્વની મેચ પંજાબ કિંગ્સ સામે રમશે. આ મેચ જ તેમની પ્લેઓફ્સ તરફની યાત્રાનો માર્ગ નક્કી કરશે.

Back to top button