‘मैं समंदर हूं, लौटकर वापस आऊंगा…’ ફડણવીસનું ટ્વીટ વાયરલ
મહારાષ્ટ્રના રાજકીય સંકટના ડ્રામાનો હજુ સુધી અંત આવ્યો નથી. ત્યારે આ બધાની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનું એક ટ્વીટ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. હાલ તો શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેના CM પદેથી રાજીનામા બાદ સત્તાની ગાદી પર બેસવા માટે જે અવરોધ હતો તે ભાજપ માટે હવે રહ્યો નથી. એવામાં અત્યારે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધીઓ પર શાયરીના અંદાજમાં કરેલું ટ્વીટ વીજ વેગે વાયરલ થઈ રહ્યું છે.
मेरा पानी उतरता देख
मेरे किनारे पर घर मत बसा लेना
मैं समंदर हूँ
लौटकर वापस आऊँगा ! #Maharashtra #MaharashtraAssembly pic.twitter.com/erM8LJeQKi— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 1, 2019
વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં થયેલી વિધાનસભાની ચૂંટણીની વાત છે. જ્યારે ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી. તે સમયે 105 બેઠકો જીત્યા બાદ ભાજપ નંબર વનની પોઝિશન પર રહી તો બીજી તરફ શિવસેના 56 બેઠકો સાથે નંબર બે પર રહી. તે દરમિયાન એવું માનવામાં આવી રહ્યું હતું કે, ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીની ખુરશી સંભાળશે.
જો કે તે સમયે બધા સોગઠા સરખા ન બેસવાના કારણે શિવસેના અને ભાજપ વચ્ચે અણબનાવ એટલી હદે વધી ગયા કે રાજ્યમાં ત્રીજા અને ચોથા નંબર રહેલી પાર્ટી NCP અને કૉંગ્રેસે શિવસેનાને સમર્થન આપી સરકાર બનાવી દીધી અને મુખ્યમંત્રીના પદ માટે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેની પસંદગી કરી.
તો વર્ષ 2018માં ભાજપમાંથી રાજીનામું આપી કૉંગ્રેસમાં જોડાયેલા નાના પટોળેને 1 ડિસેમ્બર 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા. આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસે પોતાના દિલનું દુઃખ શાયરીના અંદાજમાં વ્યક્ત કરતા કહ્યું હતું કે- “मेरा पानी उतरते देख, मेरे किनारे पर घर मत बना लेना. मैं समन्दर हूं, लौट कर जरूर आऊंगा. “
હવે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેની બળવાખોરી બાદ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પડી ભાંગવાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. તેના પર અંતિમ મહોર ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પર રાજીનામું આપીને લગાવી દીધી છે. તો હવે એકનાથ શિંદે જૂથની મદદથી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી શકે છે.