અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ

- ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOGની ટીમે દરોડા પાડ્યા
- એક ઓસ્ટ્રેલિયન ડોલરની ભારતીય ચલણ મુજબ કિંમત રૂપિયા 55 થાય છે
- આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા
અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે. જેમાં અમદાવાદ શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા.
ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOGની ટીમે દરોડા પાડ્યા
આ પહેલા જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOGની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. SOGની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. SOG ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં રોનક ઉર્ફે મીત ચેતન રાઠોડ (24), ખુશ અશોકભાઈ પટેલ (24), મૌલિક શંકરભાઈ પટેલ (36) અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ (20)ની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મૌલિક પટેલ જે ઓસ્ટ્રેલિયાનો સિટીઝન છે.
એક ઓસ્ટ્રેલિયન ડોલરની ભારતીય ચલણ મુજબ કિંમત રૂપિયા 55 થાય છે
મળતી માહિતી અનુસાર, વેજલપુરમાં આવેલા લાઇફ સ્ટાઇલ હેર સલૂનમાં રોનક રાઠોડ નામનો યુવક હેર કટિંગ માટે આવ્યો હતો. આ દરમિયાન તેણે ત્યાં રાકેશ પરમાર નામના યુવકને તેની પાસે ઓસ્ટ્રેલિયન ડોલર હોવાનું કહ્યું હતું. એક ઓસ્ટ્રેલિયન ડોલરની ભારતીય ચલણ મુજબ કિંમત રૂપિયા 55 થાય છે. તેમજ તમારે ઓસ્ટ્રેલિયન ડોલર જોતા હોય તો 40 રૂપિયામાં આપીશ તેવી વાત કરી હતી. તેમજ તેની પાસે 6 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની વાત કરી હતી, આ સિવાય બીજા કાલે આવશે તેવું પણ જણાવ્યું હતું.
સમગ્ર મામલે રાકેશ પરમારને રોનકની વાત પર શંકા ગઇ હતી
જોકે સમગ્ર મામલે રાકેશ પરમારને રોનકની વાત પર શંકા ગઇ હતી. જેથી રાકેશે આ મામલે પોતાના મિત્રને વાત કરી હતી. જેથી મિત્રએ SOGનો સંપર્ક કરવા સલાહ આપી હતી. ત્યારબાદ રાકેશે SOGને આ અંગે વાત કરી હતી. બાદમાં SOGએ હેર સલૂનમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન રોનક ત્યાં આવી પહોંચ્યો હતો. રોનક પાસેથી 50 ઓસ્ટ્રેલિયન ડોલર મળી આવતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર 8.4 ડિગ્રી તાપમાન પહોચ્યું