રાજકોટ ભાજપમાં જૂથબંધી નડી, ભાજપનો ખેસ પહેરી બીજાને વોટ અપાવ્યાનો આક્ષેપ
ભાજપનો ખેસ પહેરી બીજાને વોટ અપાવ્યા છે. રાજકોટ ભાજપમાં જૂથબંધી નડી છે. ઉમેદવારોના આક્ષેપો છે કે કેસરિયો ખેસ પહેરી નેતાઓએ પક્ષવિરોધી કામ કર્યું છે. ભાજપ ભલે ધમપછાડા કરે અને આંતરિક અસંતોષ ન હોવાના બળાપાઓ ઠાલવે પણ નારાજ લોકોએ પોતાની ભૂમિકા ભજવી છે. ઓછા મતદાન માટે પણ અંદરો અંદરનો વિખવાદ કારણભૂત છે.
આ પણ વાંચો: મુશ્કેલ બેઠકો પર ભાજપને કરે છે મજબૂત, 40 હજાર લોકોની ‘ટીમ મોદી’ નું જાણો સિક્રેટ કામ
કામ ન થયું હોવાનો બેઠકનો બળાપો
રાજકોટમાં તો જાહેરમાં હવે બળાપો ઠલવાઈ રહ્યો છે. 89 બેઠકોનું મતદાન તો પૂરુ થઇ ગયું પણ મતદાન ઓછું થવાથી ભાજપ સહિતના પક્ષોના પેટમાં ફાળ પણ પડી છે. ત્યારે આ તમામની વચ્ચે રાજકોટ કમલમમાં ઓછા થયેલા મતદાનને લઇને એક બેઠક મળી હતી. પાટીલે મતદાન અગાઉ રાજકોટના વિવાદને ઠારવા માટે બેઠક પણ કરી હતી. બિહારથી સંગઠન મંત્રી ભીખુ દલસાણિયાને બોલાવાયા હતા. પાટીલે ત્યાં સુધી ચિમકી આપી હતી કે કામ ન કરતા નેતાઓનું લિસ્ટ મને મોકલવાજો પણ પાટીલના આદેશ છતાં કામ ન થયું હોવાનો બેઠકનો બળાપો ઠલવાયો છે.
રાજકોટ ભાજપમાં જૂથબંધી ભાજપના પરિણામને અસર કરશે
રાજકોટના એક ઉમેદવારે પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે આપણા જ પક્ષના કેટલાક લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું છે, એક ઉમેદવારે કહ્યું કે મારા મત વિસ્તારના એક વોર્ડમાં ભાજપના જ કેટલાક લોકોએ ખેસ પહેરીને શંકાસ્પદ કામ કર્યું છે. કેટલાક લોકોએ ભાજપનો ખેસ પહેરીને બીજાને વોટ અપાવાની કામગીરી કરી છે. જેથી આ વાત સી.આર.પાટીલ સુધી જવી જોઇએ ત્યારે રાજકોટના બીજા ઉમેદવારે આ વાતમાં હામી ભરી હતી કે આ વાત પાટીલ સુધી જવી જોઇએ. આમ રાજકોટમાં કમલમમાં મળેલી આ બેઠકથી ફરી એ વાત સામે આવી છે કે રાજકોટ ભાજપમાં જૂથબંધી ભાજપના પરિણામને અસર કરી શકે છે.