ભાજપમાં ફરી જૂથવાદ: મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ આપ્યુ નિવેદન, જાણો શું કહ્યું?
- કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે- મનસુખ વસાવા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે, એવામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ફરી એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવે છે’. જાણો કેમ ભરુચના સાંસદે મીડિયા સમક્ષ આવું કહ્યું.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી તેમ તેમ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદો વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ યોજાયેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની ચાલુ બેઠકમાં જ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ વોકઆઉટ કર્યું હતું ત્યાર બાદ હવે તેમણે મીડિયા સમક્ષ એક નિવેદન સામે આવ્યું છે, તેમણે જૂથવાદને લઈને આક્ષેપ કરતાં કહ્યું છે કે, કેટલાક નેતાઓ મારા વિરુદ્ધ પાટીલ સાહેબને ભડકાવી રહ્યા છે.
કોના કોના પર મનસુખ વસાવાએ આક્ષેપો કર્યા?
તેમણે વધુમાં કહ્યું કે જેઓએ પાર્ટી અને સંગઠન માટે ક્યારેય કામ જ નથી કર્યું, એવા લોકો મારા વિરુદ્ધ સી.આર પાટીલ સાહેબને ભડકાવે છે. નાંદોદના MLA ડૉ.દર્શના દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સી.આર પાટીલને મારા વિશે ખોટી માહિતી આપે છે. ઝઘડિયાના MLA રીતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ પણ અધ્યક્ષને ખોટી માહિતી આપતા હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે.
‘મેં લોકો માટે કામ કર્યું છે અને કરીશ’
તેઓએ જણાવ્યું કે, આ ટોળકી અને તેમના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મારી પોઝિટિવ વાતને નેગેટિવ રીતે પ્રદેશ અને સરકાર સમક્ષ રજૂઆત કરે છે. મને ટિકિટ મળે કે ન મળે તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી. મેં લોકો માટે કામ કર્યું છે અને કરીશ પણ ખોટું નહીં ચલાવી લઉં.
આ પણ વાંચો: ગુજરાત: કાપડ માર્કેટમાં ચીટરોની નવી મોડસ ઓપરેન્ડીથી વેપારીઓ પરેશાન