ટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં અંતિમવાદીઓએ હવે સૈન્યને નિશાન બનાવ્યું, જાણો વિગતો

  • બાંગ્લાદેશમાં હજુ પણ હિંસા ચાલુ છે. ગોપાલગંજ વિસ્તારમાં પૂર્વ પીએમ શેખ હસીનાના દેશમાં પરત ફરવાના મુદ્દે હિંસા અને પ્રદર્શનો વચ્ચે ટોળાએ સેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા

ઢાકા, 11 ઓગસ્ટ: બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા પછી પણ હિંસા અને દેખાવોનો સિલસિલો ચાલુ છે. વચગાળાના સરકારના નેતા મોહમ્મદ યુનુસે હિન્દુઓ અને લઘુમતીઓ પરના હુમલાની આકરી નિંદા કરી છે. આમ છતાં દેશમાં હિંસાના અહેવાલો છે. ઢાકા ટ્રિબ્યુનના સમાચાર મુજબ ગોપાલગંજ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ સેના પર હુમલો કર્યો જેમાં પાંચથી વધુ સેનાના જવાનો ઘાયલ થયા હતા. શનિવારે સેનાના જવાનો અને અવામી લીગના સમર્થકો વચ્ચેની ઉગ્ર અથડામણ બાદ ટોળાએ આર્મીના વાહનને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં સેનાના જવાનો, પત્રકારો અને સ્થાનિક લોકો સહિત લગભગ 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બેને ગોળી વાગી હતી. આ ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે સદર ઉપજિલ્લાના ગોપીનાથપુર બસ સ્ટેન્ડ પર બની હતી.

શેખ હસીનાની દેશમાં વાપસીની કરી રહ્યા છે માંગણી

અવામી લીગના હજારો નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશમાં પરત લાવવાની માંગ સાથે વિરોધમાં હાઈવેને બ્લોક કરવા માટે એકઠા થયા હતા. સૈન્યના જવાનોએ દરમિયાનગીરી કરી અને પ્રદર્શનકારીઓને રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો પરંતુ ભીડે તેમના પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું. બાદમાં સેનાના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો, જેના જવાબમાં વિરોધીઓએ સેનાના એક વાહનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી હતી.

લેફ્ટનન્ટ કર્નલે આપી માહિતી

ગોપાલગંજ કેમ્પના લેફ્ટનન્ટ કર્નલ મકસુદુર રહેમાને આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે લગભગ 3,000 થી 4,000 લોકો એકઠા થયા હતા અને રસ્તો બ્લોક કર્યો હતો. બદમાશોના આ હુમલામાં સેનાના ચાર જવાન ઘાયલ થયા છે. ગોપીનાથપુર યુનિયનના પૂર્વ પ્રમુખ લચ્છુ શરીફે કહ્યું કે સેનાના સભ્યોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો હતો. આ પછી “એક બાળક સહિત બે લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ વિસ્તારની સ્થિતિ શાંત થઈ ગઈ હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિંદુ ક્રિકેટર લિટન દાસનું મોટું નિવેદન, ઘર સળગાવવાની અફવા અંગે જણાવ્યું સત્ય

Back to top button