
અમદાવાદ, 19 માર્ચ 2024, સોશિયલ મીડિયામાં અનેક લોકોના ફેક આઇડી બનાવી પૈસા માંગવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે. જેમાં અધિકારીઓ અને રાજનેતાઓ પણ ભોગ બની ચૂક્યા છે. ત્યારે ગુજરાતના IPS અધિકારીઓ અને રાજનેતાઓના સહિત 47 લોકોના ફેક આઇડી બનાવી પૈસા પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઈમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડયા છે.આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીઓ પાસેથી કુલ 47 ફેક આઇડી મળી આવ્યા
સાયબર ક્રાઈમે ટેક્નિકલ એનાલિસિસના આધારે રાજસ્થાનના કિશનગઢ ખાતેથી સરમીન ઉર્ફે કલ્લુ મેવની નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી સાથે અન્ય એક આરોપી પણ ઝડપાયો છે, જેની શંકાસ્પદ ભૂમિકા જણાતા પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.પકડાયેલા આરોપી માત્ર 9 પાસ છે અને તેના પાસેથી મળેલા ફોનમાં પોલીસને IPS સફિન હસન, હરેશ દુધાત, બ્રજેશ કુમાર ઝા, લવિના સિંહા,તરુણ બારોટ તથા અન્ય પીઆઈ અને PSIના ફેક આઇડી તથા ધારાસભ્ય અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત કેટલાક રાજનેતા એમ કુલ 47 ફેક આઇડી મળી આવ્યા હતા.
સાયબર ક્રાઇમે બે આરોપીઓની ધરપકડ કરી
આરોપી ફેક આઇડી બનાવી તેમાં ગૂગલ પરથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટો કોપી કરી ફેક આઇડીમાં મુક્તો હતો, ત્યારબાદ તેમના જ ફ્રેન્ડને રિક્વેસ્ટ મોકલી તેમના નામે ઇમરજન્સી કે અન્ય બહાને મેસેજ કરી પૈસાની માગ કરતો હતો. ધારાસભ્ય અમિત ઠાકરના નામે અલગ અલગ રીતે પૈસા પડાવવાનું પણ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં નટરાજ કંપનીમાં ઘરે બેઠા કામ કરે તેવા માણસની જરૂર છે તેવું લખેલી પોસ્ટ મૂકી લોકોને લોભામણી લાલચ આપી પૈસા પડાવતો હતો.આરોપી ખોટા નામે સીમ કાર્ડ લઈને ફોન મેસેજ કરી કૌભાંડ ચલાવતો હતો. સાયબર ક્રાઇમે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પાંચ બેંક એકાઉન્ટનું એનાલિસીસ શરૂ કર્યું
પોલીસનું કહેવુ છે કે, આ મેવાતી ગેંગનું કામ છે. આ ગેંગમાં સરમીનનો તો માત્ર હાથા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય સૂત્રધાર પાસેથી બેંકની ડિટેઈલ એકત્રિત કરવા તજવીજ ચાલી રહી છે.જે પણ પ્રતિષ્ઠિત વ્યકિતના ફેસબુક એકાઉન્ટમાં પ્રોફાઈલનું સેટિંગ ઓપન હોય તેવા એકાઉન્ટ ધારકના ફેકબુક પ્રોફાઈલનો ફોટો લઈ તેનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિના નામનું બીજુ નકલી એકાઉન્ટ બનાવતા હતા. જેના આધારે લોકો પાસેથી પૈસા પડાવતા હતા.આ ટોળકી પાસેથી 5 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. આ એકાઉન્ટમાં તેઓ ઓનલાઈન પૈસા લેતા હતા અને તેમાંથી અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા અથવા તો એટીએમથી ઉપાડી લેતા હતા. પોલીસે તે પાંચ બેંક એકાઉન્ટનું એનાલિસીસ પણ શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં AMCના વધુ બે લાંચિયા કર્મી ACBના સકંજામાં આવ્યા