

અમદાવાદઃ શહેરમાં પોલીસ પર ફરીવાર તોડ કરવાનો આરોપ લાગ્યો છે. શહેરના રીંગરોડ પર પોલીસે દિલ્હીથી મેચ જોવા માટે આવેલા યુવકનો તોડ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવક પાસેથી દારૂની બોટલ પકડાતા પોલીસ કર્મીએ ફરિયાદ નોંધવાની જગ્યાએ તેની પાસેથી 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર પોલીસ બેડામાં આ ઘટનાને લઈને હડકંપ મચી જવા પામ્યો છે.
દિલ્હીના યુવક પાસેથી પોલીસને દારૂની બોટલ મળી હતી
અમદાવાદમાં થોડા સમય પહેલાં જ રીંગરોડ પર પોલીસકર્મીઓએ દંપતી પાસેથી તોડ કર્યો હોવાની ઘટના બની હતી. ત્યાર બાદ આ પોલીસ કર્મીઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યાં હતાં. ત્યારે ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ જોવા માટે દિલ્હીથી આવેલો યુવક તેની ગાડીમાં દારૂની બોટલ સાથે પોલીસના હાથે પકડાયો હતો. ત્યાર બાદ પોલીસ આ યુવકને અન્ય સ્થળે લઈ ગઈ હતી અને યુવક પાસેથી 20 હજાર રૂપિયા ખંખેરી લીધા હોવાનો આક્ષેપ થયો છે. જી ડિવિઝન પોલીસ કર્મી દ્વારા યુવક પાસેથી 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ સામે શું પગલાં લેવામાં આવે છે તે આગામી સમય બતાવશે. તાજેતરમાં રીંગરોડ પર થયેલા તોડકાંડમાં પોલીસ કર્મીઓ સામે કાયદાકીય પગલાં લેવાયા હતાં. હવે આ ઘટનામાં શું થાય છે એ તો આવનારો સમય બતાવશે.