ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કતરમાં ભારતીયોને મૃત્યુદંડનો કેસઃ વિદેશમંત્રી સજા પામેલા સૈન્ય જવાનોના પરિજનોને મળ્યા

નવી દિલ્હી, 30 ઑક્ટોબરઃ   વિદેશમંત્રી એસ.જયશંકરે કતરમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોના પરિવારજનોને મળ્યા હતા. તેમણે પરિવારને ખાતરી આપી છે કે ભારત સરકાર ભૂતપૂર્વ ભારતીય સૈન્ય જવાનોની મુક્તિ માટે સતત પ્રયાસો કરી રહી છે. કતરમાં અટકાયતમાં લેવાયેલા ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી છે. બધાને ગયા વર્ષે જાસૂસીના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તાજેતરમાં જ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

વિદેશમંત્રીએ ‘X’ પર લખ્યું, ‘સવારે કતરમાં અટકાયતમાં લેવાયેલા 8 ભારતીયોના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર આ બાબત પર ગંભીર રીતે વિચાર કરી રહી છે, તેમજ સરકાર તેમની મુક્તિ માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી જેના માટે હું ભારતીય નૌકાદળના અધિકારીઓના પરિવારોને મળ્યો હતો અને સરકાર તેમના દુઃખના સમયમાં તેમની સાથે છે.

આ ઉપરાંત ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે પણ ભારતીય અધિકારીઓને મળેલી સજા અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે કાયદાકીય રીતે પ્રક્રિયાને અનુસરીએ છીએ અને અધિકારીઓને વહેલી તકે રાહત મળે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા દરેક સંભંવિત પ્રયાસો હાથ ધરાયા છે.

ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ

આ તમામ અધિકારીઓ ભારતીય નૌકાદળમાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે. તેમના પર ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. આ 8 લોકોમાં પ્રતિષ્ઠિત અધિકારીઓ પણ સામેલ છે.  હાલમાં તમામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી અને કન્સલ્ટન્સી સર્વિસ માટે કામ કરી રહ્યા હતા. આ એક ખાનગી કંપની છે, જે કતરના સશસ્ત્ર દળોને તાલીમ અને સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.

કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ આ આઠેય કર્મચારીઓ કતરમાં કામ કરી રહ્યા હતા.  રિપોર્ટ અનુસાર આ 8 ભારતીયોની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. કતરના અધિકારીઓએ તેઓની કસ્ટડી વધારી દીધી હતી. જોકે,  26 ઑક્ટોબરે કતરની કોર્ટે 8 ભારતીયોને ફાંસીની સજા સંભળાવી છે.

આ પણ વાંચો: કતર કોર્ટે 8 ભારતીયોને મૃત્યુ દંડની સજાનો ચુકાદો આપ્યો, સજા અટકાવવા ભારત સરકાર સક્રિય

Back to top button