

સુરતના લેબ-ગ્રોન ડાયમંડની માગ હવે ભારતની સાથે અન્ય દેશોમાં પણ વધી રહી છે. જેને પગલે ભારતમાંથી લેબ-ગ્રોન ડાયમંડની નિકાસ આગામી થોડાંક વર્ષોમાં 8 અબજ ડોલરને આંબી જવાની અપેક્ષા છે.
લેબ-ગ્રોન ડાયમંડની નિકાસ બમણી થવાની શક્યતા
જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ઉપપ્રમુખ ચેરમેને જણાવ્યુ કે, પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડની નિકાસ 1લી એપ્રિલથી શરૂ થયેલા ચાલુ નાણાંકીય વર્ષમાં બમણી થવાની શક્યતા છે, જે પાછલા વર્ષે 1.3 અબજ ડોલરની રહી હતી. અમેરિકા, યુકે અને ઓસ્ટ્રોલિયામાં વધતી માગને પગલે ભારતના લેબ-ગ્રોન ડાયમંડની નિકાસ આગામી થોડાંક વર્ષોમાં 7થી 8 અબજ ડોલરે પહોંચી જવાની ધારણા છે.

ડાયમંડ એ એક ફેશનેબલ જ્વેલરી છે અને જે યુવા વર્ગ માટે પરવડે તેવી હોય છે. આ માર્કેટમાં એક મોટું પરિવર્તન આવી રહ્યુ છે. ભારતે ગત વર્ષે 24 અબજ ડોલરની મૂલ્યના પોલિશ્ડ કુદરતી હીરાની નિકાસ કરી હતી, જેની તુલનાએ લેબ ગ્રોન ડાયમંડ એ વર્તમાન બજારમાં એક નાનો હિસ્સો ધરાવે છે. લેબ ગ્રોન ડાયમંડ કુદરતી હીરા જેવી વિશેષતાઓ અને રસાયણીક બનાવટ ધરાવતા હોવાની સાથે સાથે તુલનાત્મક રીતે સસ્તા હોવાથી તેની માગ વધી રહી છે.

કાઉન્સિલના આંકડા મુજબ એપ્રિલ-જુલાઈ દરમિયાન ભારતમાંથી પોલિશ્ડ લેબ-ગ્રોન ડાયમંડની નિકાસ લગભગ 70% વધીને 62.27 કરોડ ડોલરની થઈ છે, જ્યારે કટ અને પોલિશ્ડ કુદરતી હીરાની નિકાસ સમાન સમયગાળામાં લગભગ 3% ઘટીને 8.2 અબજ ડોલરની નોંધાઇ છે.
આવા લેબ ગ્રોન ડાયમંડનો એક ફાયદો એ છે કે તે ટ્રેકિંગ સિસ્ટમ ધરાવે જે સપ્લાય ચેઇનને મોનિટર કરવામાં અને રત્નોમાં ગ્રાહકનો વિશ્વાસ જાળવી રાખવામાં મદદ કરે છે.