ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિસ્ફોટકો રાખ્યા છે: એક મેસેજે દિલ્હીની 80 શાળાઓને હચમચાવી,જાણો શું છે રશિયા કનેક્શન?

  •  ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં લેવાતા IP એડ્રેસની તપાસમાં રશિયન ભાષા મળી આવી

નવી દિલ્હી, 1 મે: દિલ્હી અને નોઈડાની 80 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવતા હોબાળો મચી ગયો છે. શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ તેમજ નોઈડા-ગાઝિયાબાદ-દિલ્હી પોલીસ સંકલન સાથે આ મામલે તપાસમાં લાગેલી છે. અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, તપાસ એજન્સીઓને આશંકા છે કે ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં લેવાતા IP એડ્રેસનું સર્વર વિદેશમાં આવેલું છે. શાળાઓને મોકલવામાં આવેલો ધમકીભર્યો ઈમેલ રશિયાથી આવ્યો છે. IP એડ્રેસની તપાસમાં રશિયન ભાષા મળી આવી છે. ઈમેલ મળ્યા બાદ દિલ્હી પોલીસ શાળાઓમાં પહોંચી અને તપાસ કરી, જો કે આ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું આવ્યું નહીં.

દિલ્હી અને નોઈડાની 80 શાળાઓમાં દ્વારકાની DPS, મયુર વિહારની મધર મેરી અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થાય છે. શાળાઓને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં ધાર્મિક સંગઠન વતી ખતરનાક બાબતો લખવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, શાળાઓમાં બોમ્બ રાખવામાં આવ્યા છે અને તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

ધમકીભર્યા ઈમેલ અંગે દિલ્હીના LG વી.કે. સક્સેનાએ શું કહ્યું?

 

દિલ્હી-NCRની ઘણી શાળાઓમાં બોમ્બની ધમકી પર, દિલ્હીના LG વીકે સક્સેના કહે છે કે, માહિતી બહાર આવ્યા પછી, દિલ્હી પોલીસ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સર્ચ ઓપરેશન કર્યું હતું. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ હાજર રહીને તપાસમાં લાગી હતી.

 

LG વી. કે. સક્સેનાએ કહ્યું કે, તેઓ દિલ્હીના લોકોને ખાતરી આપવા માંગે છે કે દિલ્હી પોલીસ સંપૂર્ણ ગંભીરતા સાથે તપાસમાં લાગેલી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે પ્રયાસ કરીશું. દિલ્હી પોલીસે શોધી કાઢ્યું છે કે, આ ઈમેલ ક્યાંથી આવી રહ્યા છે, હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં અને તેમને કડક સજા કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિવેદનમાં શું માહિતી આપી?

આ ઘટના બાદ ગૃહ મંત્રાલય તરફથી એક નિવેદન બહાર આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી-એનસીઆરની શાળાઓને મોકલવામાં આવેલા મેઈલ નકલી હોવાનું જણાય છે. તેથી ગભરાવાની જરૂર નથી. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લઈ રહી છે. આજે બુધવારે સવારે દિલ્હીની 80થી વધુ શાળાઓ અને નોઈડાની ઓછામાં ઓછી બે શાળાઓને ઈમેલ દ્વારા બોંબની ધમકી મળી હતી, જેના પગલે શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી. દિલ્હી પોલીસે એમ પણ કહ્યું હતું કે, તેમણે તે તમામ શાળાઓની સંપૂર્ણ તપાસ કરી હતી જ્યાં બોંબની ધમકીઓ મળી હતી, પરંતુ ત્યાંથી કંઈ મળી આવ્યું ન હતું.

આ પણ જુઓ: દાઉદ ઈબ્રાહીમ પણ પાર્ટી બનાવશે અને ચૂંટણી લડશે! હાઈકોર્ટમાં થઈ એવી માગ, જજ થયા ગુસ્સે

Back to top button