ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિસ્ફોટ : પોલીસ વાહન ઉડાવી દેવાતા 9 પોલીસકર્મીઓના મોત

Text To Speech

પાકિસ્તાનમાં વધુ એક આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા બ્લાસ્ટમાં નવ પોલીસકર્મીઓના મોત થયા છે. આ હુમલો સોમવારે બલૂચિસ્તાનના બોલાન વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર આ વિસ્તાર સિબી અને કચ્છ બોર્ડર પર આવેલો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આત્મઘાતી હુમલો હતો પરંતુ તપાસ બાદ જ તેની પુષ્ટિ થશે.

ભોગ બનનાર પોલીસકર્મીઓ ડ્યુટી પરથી પરત આવતા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બલૂચિસ્તાન પોલીસના જવાન ડ્યૂટી પરથી પરત ફરી રહ્યા હતા. તે જ સમયે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની અસરને કારણે પોલીસ કર્મચારીઓને લઈ જતું વાહન પલટી ગયું હતું. આ વિસ્ફોટમાં 15 પોલીસકર્મી ઘાયલ થયા છે. મહત્વનું છે કે, પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં ઘણા આતંકી હુમલા થયા છે.

pakistan terrorist attack
pakistan terrorist attack

જાન્યુઆરી મહિનામાં હુમલામાં 100 પોલીસકર્મી માર્યા ગયા હતા

ગત જાન્યુઆરીમાં જ પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલામાં 100થી વધુ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસકર્મીઓ નમાજ પઢવા માટે એક મસ્જિદમાં એકઠા થયા હતા. તે જ સમયે પોલીસના વેશમાં આવેલા એક આતંકવાદીએ બોમ્બ બ્લાસ્ટથી પોતાની જાતને ઉડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદની છત પણ પડી ગઈ, જેના કારણે મૃત્યુઆંક ઘણો વધારે છે.

આતંકવાદી સંગઠન TTP સાથે યુદ્ધ વિરામ બાદ હુમલા વધ્યા

વાસ્તવમાં, આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને પાકિસ્તાન આર્મી વચ્ચે યુદ્ધવિરામ ભંગ થયો છે અને ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનું મોજુ ફરી વળ્યું છે. ખાસ વાત એ છે કે મોટાભાગના આતંકી હુમલાઓમાં પાકિસ્તાન પોલીસના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં જ કરાચી પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો હતો. TTPએ જ આ હુમલો કર્યો હતો. આ હુમલામાં સશસ્ત્ર આતંકવાદીઓએ પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસીને ત્રણ લોકોના મોત અને 10 લોકો ઘાયલ કર્યા હતા. જોકે, સુરક્ષાદળોની કાર્યવાહીમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Back to top button