ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં ખુલાસો, પતિએ બદલો લેવા બનાવ્યો હતો 15 દિવસથી પ્લાન

  • પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને મોકલ્યું પાર્સલ
  • પાર્સલ એક રિક્ષાચાલક જોડે કરાવ્યું ડિલિવર, બોક્સ ખોલતાની સાથે જ થયો ધડાકો
  • વિસ્ફોટમાં જિતેન્દ્ર વણઝારા સહિત બેના મૃત્યુ, બે ઘાયલ

સાબરકાંઠા, 3 મે: સાબરકાંઠાના વડાલીમાં 2મેના રોજ થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આ પાર્સલ બ્લાસ્ટ કોઈ અન્ય દ્વાર નહીં પરંતુ પ્રેમિકાના પતિ દ્વારા કરાવવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. કેસનો ખુલાસો થતાની સાથે જ પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી લીધી છે. પાર્સલમાં જીલેટિન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જિતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડ્યું હતું અને પાર્સલ ખોલતાં જ ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતા યુવક જિતેન્દ્ર સહિત બે લોકોના મૃત્યુ થયા હતા, તેમજ કિશોરી સહિત બે ઈજાગ્રસ્ત થયા હતા.

15 દિવસથી બ્લાસ્ટનું કર્યું હતું પ્લાનિંગ

પોલીસે આરોપી જયંતી વણઝારાની ધરપકડ કર્યા પછી તપાસ હાથધરી હતી. પુછપરછમાં જાણવા મળ્યું કે આરોપી જયંતી વણઝારા 15 દિવસથી બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરી રહ્યો હતો. તેણે અલગ અલગ રીતે માઇન્સમાં થતાં બ્લાસ્ટ વિશે જાણકારી મેળવી પ્લાન બનાવ્યો હતો.

રાજસ્થાનના વેપારી પાસેથી જીલેટિન સ્ટીક ખરીદી

પોલીસ પૂછપરછમાં જયંતી વણઝારાએ જણાવ્યું હતું કે, તેની પત્ની અને મૃતક જીતુ વણઝારા બંને એક જ ગામના હતા. ઘણા સમયથી તેઓ એકબીજાના પરિચયમાં હતા. જે તેને પસંદ ન હતું. તેથી જીતુ વણઝારાને મારવા માટે બ્લાસ્ટમાં વપરાતી જીલેટિન સ્ટીક અને ડિટોનેટરનો ઉપયોગ કરી તેને રેડિયો જેવા ડિવાઈસમાં જીલેટિન સ્ટીક પ્લેસ કરી હતી અને તેમાંથી વાયર બહાર કાઢ્યો હતો. આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીએ પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના વેપારી પાસેથી જીલેટિન સ્ટીક અને ડિટોનેટર લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેની પાસેથી ડિટોનેટર અને જીલેટિન સ્ટીક લીધી હતી તેની પાસેથી આ અંગે સામાન્ય નોલેજ મેળવ્યું હતું.

રિક્ષા ચાલક પાસે મોકલાવ્યું પાર્સલ

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી જયંતી વણઝારાએ પાર્સલમાં બ્લાસ્ટનો પ્લાન બનાવ્યા પછી પાર્સલ એક રિક્ષાચાલક પાસે ડિલિવર કરાવ્યું હતું. ત્યાર બાદ રિક્ષાચાલક ત્યાંથી નીકળી ગયો હતો અને મૃતક જીતુ વણઝારાએ પાર્સલ ખોલ્યા પછી તેનો પ્લગ ઈલેક્ટ્રિક બોર્ડમાં લગાવતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં જીતુભાઈ વણઝારા અને તેમની દીકરી ભૂમિકા વણઝારા મૃત્યુ પામ્યા હતા. આ કેસમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત: સુરત શહેરમાં એક જ પરિવારના 3 લોકોએ આપઘાત કર્યો

Back to top button