મોંઘા iPhone ખરીદનારાઓને 5G માટે જોવી પડશે રાહ : જાણો iPhone 12, 13 અને 14માં ક્યારે મળશે 5G સપોર્ટ?
જો તમે Apple iPhone યુઝર છો, તો આ સમાચાર તમારા માટે આંચકાથી ઓછા નહીં હોય. આ એટલા માટે છે કારણ કે ભારતમાં 5G સેવાનો ઉપયોગ કરવા માટે iPhone યુઝર્સને લાંબી રાહ જોવી પડશે. જો કે, એરટેલ અને જિયોએ દેશના મોટા શહેરોમાં 5G નેટવર્ક શરૂ કરી દીધું છે. પરંતુ તે હોવા છતાં, iPhone 12, iPhone 13 અને iPhone 14 નાં વપરાશકર્તાઓને ભારતમાં હજી થોડા સમય સુધી 5G સેવા મળવાની નથી. જો તમે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા માટે મોંઘો આઈફોન ખરીદ્યો હોય, તો તમારે તેમાં 5G સેવાનો લાભ લેવા માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. કારણ કે Apple કંપની તરફથી 5G રોલઆઉટમાં વિલંબ થઈ શકે છે.
આ પણ વાંચો : 5G ટ્રાયલમાં Jio એ Airtelને છોડ્યું પાછળ : 598Mbps રહી ડાઉનલોડિંગ સ્પીડ
Apple શા માટે 5G રોલઆઉટમાં વિલંબ કરી રહ્યું છે?
ખરેખર Appleનું કહેવું છે કે તે હાલ 5G સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, કંપની ડિસેમ્બર સુધીમાં iPhone માટે 5G સપોર્ટ જાહેર કરી શકે છે. પરંતુ હાલ 5G સપોર્ટની સમયરેખા એપલ અને એરટેલ દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવી રહી છે. તેથી Apple તેનાં iPhone માટે 5G રોલઆઉટમાં વિલંબ કરી રહ્યું છે.
સરકારે 5G સોફ્ટવેર રોલઆઉટ પર બેઠક બોલાવી
ભારત સરકાર સ્માર્ટફોનમાં જલ્દી 5G સોફ્ટવેર અપડેટ રજૂ કરવાની માંગ કરી રહી છે. આ મામલે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સેમસંગ, એપલ જેવી સ્માર્ટફોન ઉત્પાદકો અને એરટેલ અને જિયો જેવી ટેલિકોAમ કંપનીઓને બોલાવવામાં આવી હતી,જેમાં મોબાઈલ ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ ભારતમાં જલ્દી 5G સેવા પ્રસરે, જેથી યુઝર્સને જલ્દી જ હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને કોલિંગનો અનુભવ મળી શકે તેવી ચર્ચાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
દિલ્હીથી કરવામાં આવી હતી 5Gની શરૂઆત
તમને જણાવી દઈએ કે 5G સેવા 1 ઓક્ટોબર 2022ના રોજ પીએમ મોદીએ દિલ્હીથી શરૂ કરી હતી. આ સમય દરમિયાન એરટેલે 8 શહેરોમાં 5G નેટવર્ક શરૂ કર્યું હતું. તેનાં થોડા દિવસો પછી, Jio એ પણ 4 શહેરોમાં 5G નેટવર્ક શરૂ કર્યું હતું. આ રોલઆઉટ પછી, Samsung, Vivo, Oppo અને Xiaomi દ્વારા સ્માર્ટફોન માટે પણ 5G સોફ્ટવેર અપડેટ બહાર પાડવામાં આવ્યું છે.