નમો ભારતથી દિલ્હી મેટ્રો સુધી વિસ્તરણ, PM મોદી આજે કરશે 12200 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ
નવી દિલ્હી, 5 જાન્યુઆરી: વડાપ્રધાન મોદી આજે રવિવારે 12,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ સાથે તેઓ રાજધાની દિલ્હીમાં એક જનસભાને સંબોધિત કરશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, તે સાહિબાબાદ RRTS સ્ટેશનથી ન્યૂ અશોક નગર RRTS સ્ટેશન વચ્ચે નમો ભારત ટ્રેનમાં પણ મુસાફરી કરશે. નિવેદન મુજબ, વડાપ્રધાન સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે આશરે રૂ. 4,600 કરોડના ખર્ચે બનેલ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટર લાંબા પટ્ટાનું ઉદ્ઘાટન કરશે. આ સાથે દિલ્હીને તેની પ્રથમ નમો ભારત કનેક્ટિવિટી મળશે. આનાથી દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી વધુ સરળ બનશે.
PM મોદી સાહિબાબાદથી ન્યૂ અશોક નગર જશે
અધિકારીઓએ જણાવ્યું કે, સવારે 11 વાગ્યે ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી સાહિબાબાદથી ન્યૂ અશોક નગર જશે. આ ટ્રેનમાં પેસેન્જર ઓપરેશન રવિવારે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે અને 15 મિનિટના અંતરે ટ્રેન ઉપલબ્ધ રહેશે. તેમણે જણાવ્યું કે, ન્યૂ અશોક નગર સ્ટેશનથી મેરઠ દક્ષિણ સુધીનું ભાડું સ્ટાન્ડર્ડ કોચ માટે 150 રૂપિયા અને પ્રીમિયમ કોચ માટે 225 રૂપિયા છે. નવનિર્મિત 13 કિમીના સેક્સનમાંથી છ કિમી ભૂમિગત છે અને તેમાં આનંદ વિહારનો સમાવેશ થાય છે, જે કોરિડોર પરનું મુખ્ય સ્ટેશન છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પહેલીવાર છે જ્યારે નમો ભારત ટ્રેનો ભૂગર્ભમાં દોડશે. આ ઉદ્ઘાટન સાથે નમો ભારત ટ્રેન હવે દિલ્હી પહોંચશે.
નમો ભારત કોરિડોર 55 કિલોમીટર લાંબો હશે
મહત્ત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ ગયા વર્ષે 20 ઓક્ટોબરે સાહિબાબાદ અને દુહાઈ ડેપો વચ્ચેના 17 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં સાહિબાબાદ અને મેરઠ દક્ષિણ વચ્ચેના કોરિડોરનો 42 કિલોમીટર લાંબો ભાગ કાર્યરત છે, જેમાં નવ સ્ટેશન છે. તેમણે માહિતી આપી હતી કે આ ઉદ્ઘાટન સાથે, નમો ભારત કોરિડોરનો કાર્યકારી વિસ્તાર કુલ 11 સ્ટેશનો સાથે વધીને 55 કિલોમીટર થઈ જશે. આ વિભાગ પર કામગીરી શરૂ થતાં, મેરઠ શહેર હવે સીધું દિલ્હી સાથે જોડાઈ ગયું છે. અધિકારીઓએ કહ્યું કે, આનાથી મુસાફરીનો સમય એક તૃતિયાંશ જેટલો ઘટશે, જેથી મુસાફરો ન્યૂ અશોક નગરથી મેરઠ દક્ષિણ સુધી માત્ર 40 મિનિટમાં મુસાફરી કરી શકશે.
દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન
આ સિવાય પીએમ મોદી દિલ્હી મેટ્રોના ચોથા તબક્કા હેઠળ લગભગ 1,200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના 2.8 કિલોમીટર લાંબા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાનો આ પ્રથમ વિભાગ છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. નિવેદન મુજબ, આનાથી પશ્ચિમ દિલ્હીના કૃષ્ણા પાર્ક, વિકાસપુરી અને જનકપુરીના ભાગો સહિતના અન્ય વિસ્તારોને ફાયદો થશે. PM મોદી દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના 26.5 કિલોમીટર લાંબા રિઠાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કરશે. તેના નિર્માણ પાછળ 6,230 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ કોરિડોર દિલ્હીના રિઠાલાને હરિયાણાના નાથૂપુર (કુંડલી) સાથે જોડશે, જે દિલ્હી અને હરિયાણાના ઉત્તર-પશ્ચિમ ભાગો વચ્ચેના જોડાણમાં નોંધપાત્ર સુધારો કરશે. આ વિસ્તૃત રેડ લાઇન દ્વારા દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મુસાફરીને સરળ બનાવશે. તે જ સમયે, પીએમ મોદી રોહિણીમાં સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CARI)ની નવી અત્યાધુનિક બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે. લગભગ 185 કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ જૂઓ: પહાડી રાજ્યોમાં બરફવર્ષાનું એલર્ટ, આ રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી સ્કૂલો રહેશે બંધ