વડોદરામાં વીજળી માટે અરજી કરીને થાકેલા ગ્રાહકે અધિકારીને દંડવત કર્યા, જુઓ વીડિયો
વડોદરા, 27 જૂન 2024, ગુજરાતમાં વિકાસની મોટી ગુલબાંગો ફૂંકાય છે અને દેશમાં ગુજરાતને વિકાસનું મોડેલ ગણવામાં આવે છે. ત્યારે વડોદરામાં એક ગ્રાહક વીજળી માટે અધિકારીઓના પગમાં દંડવત કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.સુંદરપુરા ગામમાં ફાર્મહાઉસમાં છેલ્લા 2 વર્ષથી લાઈટની સમસ્યાના કારણે ખેડૂત નિશાંત પટેલે MGVCLના અધિકારી ડી.ઈ.રાઠોડને પગે પડી દંડવત પ્રણામ કરી વીજળી આપવા માટે આજીજી કરી હતી.
ઘણીવાર અઠવાડિયા સુધી લાઈટ આવતી જ નથી
નિશાંતભાઈએ વીડિયોમાં જણાવ્યું હતું કે, લાઈટ આવતી નથી હું કંટાળી ગયો છું. મને લાગે છે કે, હું અંગ્રેજના જમાનામાં જીવું છું મારે અંગ્રેજને પગે લાગવુ પડ્યું છે. વાયરલ વીડિયોમાં નિશાંત પટેલ કહે છે કે, હું અઢી-ત્રણ વર્ષથી હેરાન છું અને મારે ત્યાં લાઈટ નથી. હું તમને બે હાથ જોડીને પગે લાગીને વિનંતી કરું છું માત્ર 5 મિનિટ માણસ માગું છું. હું છેલ્લા 3 વર્ષથી ધક્કા ખાઉં છું. જેથી ઘૂંટણીયે પડીને પગે લાગું છું અને મારી પાસે હવે કંઈ છે નહીં અને જેવા તેવા ઘરનો માણસ નથી. હું સારા ઘરનો માણસ છું. મને તમે લખીને આપી દો કે તમારી પાસે માણસ નથી. વર્ષ-2022માં મેં જાંબુવા જીઇબીમાં એપ્લિકેશન આપી હતી કે, મારે ત્યાં લાઈટ નથી આવતી, પંખો ચાલતો નથી.ઘણીવાર અઠવાડિયા સુધી લાઈટ આવતી જ નથી.
મારે ખેતી વેચી દેવી પડશે નહીં તો આત્મહત્યા કરવી પડશે
હું રજૂઆત કરું તો મને કહેવામાં આવે છે કે એગ્રિકલ્ચર કનેક્શન છે ત્યાં આવું જ હોય.અમારે ખેતી કરનારા અને ખેતર સાચવનારા માણસો ત્યાં રહેવા તૈયાર નથી. ખેતી કરવા માટે માણસ મળતા નથી. લાઈટ વગર ત્યાં માણસ રહેવા તૈયાર નથી. મારા પરિવારને ત્યાં વેકેશન મનાવવા જવું હતું, પરંતુ ઉનાળાની ગરમીમાં લાઈટ ન હોવાથી અમે ત્યાં જઈ શક્યા નથી.નિશાંતભાઈ વીડિયોમાં કહે છે કે, તમને દંડવત કરીને પગે લાગીને રિક્વેસ્ટ કરી કહું છું કે કામ નહીં થાય તો હું અહીં ધરણા પર ઉતરીશ. તેઓ મને કોઈ જવાબ આપવા તૈયાર નથી અને તેઓ કહે છે કે, તેમની પાસે સ્ટાફ નથી. હવે મને લાગે છે કે, આવું જ ચાલ્યું તો મારે ખેતી વેચી દેવી પડશે નહીં તો મારે આત્મહત્યા કરવી પડશે. હું ખૂબ કંટાળી ગયો છું.આજે મારે અધિકારીને પગે પડવું પડ્યું છે.