Exclusive: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના નવનિયુક્ત અધ્યક્ષ કિશોર મકવાણાનો ઈન્ટર્વ્યુ
- પંચના અધ્યક્ષપદે નિયુક્તિ બાદ શ્રી કિશોર મકવાણાનો સૌપ્રથમ ઈન્ટર્વ્યુ
- બંધારણની કલમ 338 અંતર્ગત ગઠિત એક સ્વાયત્ત પંચના અધ્યક્ષપદે નિયુક્તિ સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન
અમદાવાદ, 11 માર્ચ, 2024: માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે રજેરજ જાણનાર અને તેમના વિશે પૂર્ણ અધિકારપૂર્વક વાત કરી શકનાર જે જૂજ નિષ્ણાતો છે તેમાંના એક એટલે કિશોર મકવાણા. આવા એક વિદ્વાન ગુજરાતીની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે જેના સમાચાર HD Newsએ સૌથી પહેલાં નવમી માર્ચે આપ્યા હતા. (વાંચો અહીં : અમદાવાદના કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષપદે નિયુક્તિ )
HD Newsએ સૌથી અગ્રીમ રહેવાની તેની પરંપરા મુજબ કિશોરભાઈ મકવાણાનો સૌપ્રથમ ઈન્ટર્વ્યુ લીધો છે. આ ઈન્ટર્વ્યુમાં કિશોર મકવાણાએ દેશની કેટલીક સર્વોચ્ચ બંધારણીય સંસ્થાઓ પૈકી એક રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષપદે તેમની નિમણૂક, પંચની મહત્ત્વ અને તેની કામગીરી વિશે મોકળા મને વાત કરી હતી.
નવમી માર્ચને શનિવારે આવા અત્યંત મહત્ત્વના પદે નિયુક્તિ તથા ચાર્જ લેવા માટે આજે સોમવારે દિલ્હી જતાં પહેલાં હમ દેખેંગે ન્યૂઝને કિશોરભાઈએ જણાવ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકથી પોતે અત્યંત ખુશ છે અને એક ગુજરાતી તરીકે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. શુભેચ્છકો તથા મુલાકાતીઓની ભારે ભીડ અને વ્યસ્તતા વચ્ચે કિશોરભાઈ થયેલી ટૂંકી પ્રશ્નોત્તરીના અંશ અહીં પ્રસ્તુત છેઃ
HD News: કિશોરભાઈ, સૌપ્રથમ તો રાષ્ટ્રીય સ્તરના આવા મહત્ત્વના હોદ્દા પર નિયુક્તિ બદલ હમ દેખેંગે ન્યૂઝ વતી અભિનંદન અને શુભેચ્છા. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ તરીકે તમારી મુખ્ય કામગીરી શું રહેશે?
K.M.: શુભેચ્છા બદલ આપનો આભાર. આ હોદ્દા પર મુખ્યત્વે આખા દેશની અનુસૂચિત જાતિઓના અધિકારોના રક્ષણ, તેમનાં કલ્યાણ, તેમને લગતી કાનૂની બાબતોની દેખરેખ, મૂલ્યાંકન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. દેશના અનુસૂચિત વર્ગોને જે અધિકારો મળેલા છે તેની અમલવારીમાં ઘણીવાર આંખ આડા કાન થતા હોય છે. તેને કારણે એ વર્ગોમાં નારાજગી રહેતી હોય છે અને ફરિયાદો થતી હોય છે. પંચ સમક્ષ આવી ફરિયાદ આવે ત્યારે તેની તપાસ કરવાની હોય છે અને તેનો નિકાલ કરીને પીડિતોને ન્યાય મળે, તેમનો સામાજિક, આર્થિક વિકાસ થાય તે માટે પગલાં લેવાના હોય છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચે ઉપર જણાવી એ સંદર્ભે વર્ષ દરમિયાન જે કોઈ કામગીરી કરે તેનો તથા અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની ભલામણો સાથેનો એક વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરવાનો હોય છે.
HD News: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ પાસે કેવી સત્તા હોય છે અને તે કેવી રીતે કામ કરે છે?
K.M. : દેશના બંધારણની કલમ 338 હેઠળ પંચ એક સ્વાયત્ત સંસ્થા તરીકે કામ કરે છે. પંચની કામગીરી એક પ્રકારે દિવાની ન્યાયાલય જેવી હોય છે. અર્થાત ફરિયાદ ગંભીર પ્રકારની હોય અને તેનો ઉકેલ ન આવતો હોય તો પંચ જે તે જવાબદાર અધિકારી અથવા પોલીસ અધિકારી સામે પણ સીધું વૉરન્ટ કાઢીને તેમને જવાબ આપવા માટે પંચ સમક્ષ હાજર થવા જણાવી શકે છે.
HD News: પંચની રચના ક્યારે અને કેવી રીતે થઈ? તેનું માળખું કેવું હોય છે?
K.M. : 1990માં દેશના રાષ્ટ્રપતિ દ્વારા સૌપ્રથમ અનુસૂચિત જાતિ અને જનજાતિ પંચની રચના કરવામાં આવી હતી. અર્થાત એ સમયે બંને સમુદાય માટે એક જ પંચની રચના થઈ હતી. જોકે ત્યારબાદ 2004માં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની સરકારે બંને પંચ અલગ કરવાનો નિર્ણય લીધો અને એ મુજબ – રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચની રચના થઈ. આ પંચમાં એક રાષ્ટ્રીય અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ તથા ત્રણ સભ્યો હોય છે જેઓ આ પંચના રાજ્ય સ્તરના અધિકારીઓની સાથે મળીને કામગીરી કરે છે. આ પંચના રાષ્ટ્રીય અધ્યક્ષને કેબિનેટ મંત્રી સ્તરનો દરજ્જો મળે છે, પરંતુ સૌથી અગત્યનું એ છે કે, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ પાસે ઉપર કહ્યું તેમ વૉરન્ટ જારી કરવાની પણ સત્તા હોય છે.
HD News: કિશોરભાઈ, પંચની મુદત કેટલા સમયની હોય છે તથા આ હોદ્દા ઉપર અગાઉ કોણ કોણ ફરજ બજાવી ચૂક્યું છે?
K.M. : આ પંચની મુદત ત્રણ વર્ષની હોય છે અને ત્યારબાદ સરકારને યોગ્ય લાગે તો ત્રણ વર્ષની વધુ એક મુદત માટે એક્સટેન્શન આપી શકે છે. આમ ઓછામાં ઓછી એક મુદત અને મહત્તમ બે મુદત સુધી જે તે નિયુક્ત પંચની કામગીરી રહે છે. આવા અગત્યના પંચના અધ્યક્ષપદે અગાઉ સ્વ. સુરજભાણજી (2004થી 2006) તથા સ્વ. બુટાસિંહ (2007થી 2010), પી.એલ. પુનિયા વગેરે આ સ્થાને કામગીરી કરી ચૂક્યા છે.
HD News: તમે પંચની કામગીરીમાં શું પરિવર્તન લાવવા માગો છો?
K.M. : મારો પ્રયાસ રહેશે કે સમાજમાં સૌહાર્દ, સમાજિક સમરસતા, બંધુતાનું વાતાવરણ ઊભું થાય. આ માટે જેમને અન્યાય થયો છે તેમને ઝડપથી ન્યાય મળે એવા મારા પ્રયાસ રહેશે.
કોણ છે કિશોર મકવાણા?
ગુજરાતના સમાજજીવનમાં તેમજ ભારતીય જનતા પક્ષના રાજકીય વર્તુળોમાં કિશોરભાઈનું નામ અજાણ્યું નથી. ખાસ કરીને શરૂઆતમાં કહ્યું તેમ, ડૉ. આંબેડકર વિશે કિશોરભાઈ એક પ્રકારે ઑથોરિટી ગણાય છે. ગુજરાતના વિદ્વાન લેખક, ચિંતક અને વક્તા કિશોર મકવાણાએ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર વિસ્તૃત સંશોધન કર્યું છે. તેમણે ડૉ. આંબેડકરના અનેક અપ્રકાશિત પાસાંઓને લોકો સમક્ષ રજૂ કર્યા છે અને લોકોને ડૉ. આંબેડકરની મૂળ વિચારસરણી બતાવી છે. કિશોર મકવાણાએ ગુજરાત સહિત દેશની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં ડૉ. આંબેડકર પર સેંકડો પ્રવચન આપ્યાં છે અને લેખો લખ્યા છે. આ ઉપરાંત તેમનું સૌથી મોટું યોગદાન ‘મિશન ભીમ’ નામનું ડિજિટલ પ્લેટફોર્મ છે. ડૉ. આંબેડકરની પોતાની વેબસાઈટ https://missionbhim.com/ છે. તેમણે આંબેડકરજીના તમામ મૂળ ગ્રંથોને પીડીએફ (PDF) ફોર્મેટ અને ઓડિયો ફોર્મેટમાં લોકો માટે ઉપલબ્ધ કરાવ્યા છે. તે વેબસાઈટ પર મૂકવામાં આવેલા છે. આ વેબસાઈટ પર ડૉ. આંબેડકરનાં પુસ્તકો બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે, કોઈ પણ વ્યક્તિ બાબાસાહેબનાં પુસ્તકો કોઈપણ ભાષામાં વાંચી શકે છે. કિશોર મકવાણાએ આંબેડકરજીના ગ્રંથોને મલયાલમ, બંગાળી, અંગ્રેજી, કન્નડ, પંજાબી – ટૂંકમાં દેશની તમામ ભાષાઓમાં લોકો માટે આસાનીથી ઉપલબ્ધ કરાવ્યા છે, જેમાં મૂળ વિડિયો, સંશોધન લેખો અને બાબાસાહેબના દુર્લભ ફોટોગ્રાફ્સ છે. કિશોર મકવાણાની આ આંબેડકર સાધનાને કારણે તેમની સંશોધન યાત્રા બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ગુજરાતીમાં સૌપ્રથમવાર વ્યાપક પરિચય થઈ રહ્યો છે.
ખૂબ જ સામાન્ય ગુજરાતી પરિવારમાં જન્મેલા કિશોર મકવાણાના પિતા રોડ મજૂર તરીકે કામ કરતા હતા અને બાદમાં રેલવે કર્મચારી બન્યા હતા. આજે કિશોર મકવાણા ડૉ. આંબેડકર એક વિષય નિષ્ણાત તરીકે ઓળખાય છે. નચિકેતા પુરસ્કાર, ગુજરાત ગૌરવ પુરસ્કાર, તથાગત પુરસ્કાર સહિત અનેક માન-સન્માન મેળવનાર કિશોરભાઈની પત્રકાર તરીકેની કારકિર્દી પણ એટલી જ નોંધપાત્ર રહી હતી. સાધના અને નમસ્કાર જેવાં સામયિકોના તંત્રીપદે રહી ચૂકેલા કિશોર મકવાણાએ અગાઉ પંચજન્ય સામયિકના રિપોર્ટર તરીકે એલ.કે. અડવાણીની સોમનાથથી અયોધ્યાની યાત્રા (1989) તથા કારગીલ યુદ્ધ (1999)નું કવરેજ કર્યું હતું.
દલિત ઈન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ ગુજરાત ચેપ્ટરના સહ-સચિવ રહી ચૂકેલા કિશારભાઈની સામાજિક સેવા પણ ગુજરાતના ગામેગામ સુધી વિસ્તરેલી રહી છે.