EXCLUSIVE: મોદી સરકારની આ કામગીરી જાણશો તો આશ્ચર્ય ચકિત થઈ જશો
હમ દેખેંગે ન્યૂઝ ડેસ્ક, 15 એપ્રિલ, 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રત્યે દેશમાં ઘણા લોકોને નારાજગી છે અને એ સ્વાભાવિક છે. લોકશાહીમાં તરફેણ અને વિરોધ કોઈ નવી વાત નથી. પરંતુ આજે અમે જે માહિતી આપી રહ્યા છીએ એ જાણીને મોદીના પ્રશંસકો અને વિરોધીઓ બધા આશ્ચર્ય પામી જશે.
શું તમે કદી વિચાર્યું છે કે, નરેન્દ્ર મોદી સરકાર જે કામગીરી કરે છે તેના વાસ્તવિક આંકડા ક્યાંથી અને કેવી રીતે ઉપલબ્ધ થાય? ઘણા બધાને આવો વિચાર આવતો હશે. ઘણાને એ વાતનું પણ આશ્ચર્ય થતું હશે કે ભાજપના કેટલાક પ્રવક્તા ટીવી ચર્ચા દરમિયાન ધડાધડ આંકડાકીય વિગતો આવે છે, પરંતુ એ વિગતો લાવતા ક્યાંથી હશે? તમે કદાચ એમ માની લઈ શકો કે ભાજપના પ્રવક્તાઓને અથવા શાસન તરફી અમુક પત્રકારોને સરકાર આંકડા પૂરા પાડતી હશે…તો તમે ખોટા નથી પરંતુ એમાં એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એ છે કે, આ તમામ આંકડા તમે પોતે પણ માત્ર એક ક્લિકના આધારે મેળવી શકો છો અને જ્યાં રહેતા હોવ ત્યાંની સ્થિતિ સાથે એ આંકડાકીય વિગતો મિલાવીને વાસ્તવિકતાની ખાતરી કરી શકો છો.
તો હવે વધારે સસ્પેન્સ રાખ્યા વિના તમને માહિતી આપીએ કે, નરેન્દ્ર મોદી સરકારે એક ઑનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જ્યાં એક ક્લિકમાં તમે આખા દેશમાં છેલ્લા દસ વર્ષમાં થયેલી કામગીરીની આંકડાકીય વિગતો મેળવી શકો છો. નરેન્દ્ર મોદી સરકારે https://shwetapatra.in/ (શ્વેતપત્ર.ઈન) નામે એક ઑનલાઈન પ્લેટફોર્મ બનાવ્યું છે તેમાં રાષ્ટ્રીય સ્તરે કામગીરી ઉપરાંત પ્રત્યેક રાજ્યમાં થયેલી કામગીરીની વિગતો આપવામાં આવી છે.
મહત્ત્વની વાત એ છે કે, આ વિગતો અલગ અલગ ફોર્મેટમાં આપવામાં આવી છે. અર્થાત નાગરિકોને અથવા સંશોધકોને કે પછી પત્રકારોને PDF ફોર્મેટમાં જોઈએ તો એ રીતે, ગ્રાફિક ફોર્મેટમાં જોઈએ તો એ રીતે તથા ડૅશબોર્ડના સ્વરૂપમાં પણ આ બધું ઉપલબ્ધ છે. એટલું જ નહીં પરંતુ કોઈ નાગરિક પોતાના મતક્ષેત્રની સ્થિતિ જાણવા માગે તો એ વિગત પણ તેમાં સાવ સરળ પદ્ધતિથી મળી શકે છે.
શ્વેતપત્ર અર્થાત વ્હાઈટ પેપર નામે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમારે સૌપ્રથમ સમગ્ર દેશમાં દસ વર્ષમાં થયેલી કામગીરી જોવી હોય તો જોઈ શકો. તેમાં પણ તમારા રસના વિષયની જ માત્ર વિગત જોઈએ તો પણ જોઈ શકો. ઉદાહરણ તમને માત્ર અર્થતંત્રની વિગતો જાણવી છે તો અર્થતંત્ર ઉપર ક્લિક કરવાથી દસ વર્ષમાં થયેલી પ્રગતિની વિગતો અલગ અલગ ફોર્મેટમાં તમને ઉપલબ્ધ થશે. તમે અર્થતંત્ર, સમાજ કલ્યાણ, ઉદ્યોગો, ડિજિટલ ઈન્ડિયા, ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ, શિક્ષણ જેવા વિષયો ઉપર સરકારની કામગીરીની આંકડાકીય વિગતો મેળવી શકો છો.
એવી જ રીતે દરેક રાજ્ય, દરેક જિલ્લા, દરેક તાલુકા અથવા મતક્ષેત્રો – એમ સમગ્ર ભારતને આવરી લેતી વિગતો આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. આ ડિજિટલ પ્લેટફોર્મ એ વાતનો પણ પુરાવો છે કે, વર્તમાન સરકાર જે કામગીરી કરે છે તેનો હિસાબ એવી રીતે રાખે છે જેથી દેશ કે દુનિયાની કોઈપણ વ્યક્તિ તે જોઈ શકે અને ચકાસણી તેમજ ખાતરી કરી શકે.
આ પણ વાંચોઃ રામલલાની મૂર્તિના સર્જન દરમિયાન પત્ની સાથે ભાગ્યે જ વાત થતી જેથી…કલાકાર યોગીરાજે શૅર કર્યા અનુભવો