અમદાવાદની ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીમાં પેરામેડિકલ કક્ષાનો કોર્સ ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટરના કોર્સ ગેરકાયદે ચાલતો હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. ભાવિન ત્રિવેદી દ્વારા આ બાબતે આજે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેની સાથે જ તેમને હાલ મીડિયામાં ફરતાં થયેલા અહેવાલોને સૌ ખોટા ગણાવ્યા છે.
આ બાબતે Hum dekhenge News ની ટીમ દ્વારા યુનિવર્સિટીનો સંપર્ક કરતાં યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ.ભાવિન ત્રિવેદી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં કોઈપણ જાતનું કૌભાંડ ચાલતું નથી અને જે વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી છે તે માન્ય જ છે અને પંચાયત સેવા પસંદગી મંડળને અમે અમારો જવાબ આપી દીધો છે. તેમજ પંચાયત સેવા મંડળના અધિકારીઓ દ્વારા સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે.
એટલું જ નહીં ડૉ. ભાવિન ત્રિવેદીએ જણાવ્યું કે, જે દાવા કરવામાં આવે છેકે અહીં 5 વર્ષથી કોર્સ ચાલી રહ્યો છે તે વાત તદ્દન ખોટી છે. અહીં જુલાઈ 2020 થી કોર્સ ચાલી રહ્યો છે. હાલમાં જે પણ વાતો મીડિયામાં વહેતી થઈ છે તે વાતો ખોટી છે અને પાયાવિહોણી છે. અત્યાર સુધી માત્ર 2000 જેટલાં જ વિદ્યાર્થીઓએ અહીં અભ્યાસ કર્યો છે. આ સાથે જ તેમને જે જવાબ પંચાયત પસંદગી મંડળને આપ્યો છે તેની નકલ પણ આપવામાં આવી છે.
હમણાં જ રાજકોટ મહાનગરપાલિકાએ બહાર પડેલી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં જ્યારે ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ ઉમેદવારોએ અરજી કરી ત્યારે એવો આક્ષેપ લાગ્યો હતો કે આ કોર્સ માન્ય ગણાશે નહિ. છેલ્લા 2 વર્ષમાં 1500 થી વધારે વિદ્યાર્થીઓએ ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી છે ત્યારે ડિગ્રીની માન્યતાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પત્ર લખી આ બાબતે જવાબ માંગવામાં આવ્યો હતો ત્યારે હવે કોણ સાચું અને કોણ ખોટું તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. પણ અહી હજારો વિદ્યાર્થીઓને હાલ આ બધા વચ્ચે પીસાવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં U-20 સમિટ અંતર્ગત પ્રથમ શેરપા મીટિંગનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, 35 દેશોના પ્રતિનિધિ રહ્યા હાજર