કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોન ટીચિંગ ભરતી માટેની પરીક્ષા છેલ્લી ઘડીએ મોકૂફ, પરીક્ષા લેનાર એજન્સીને લઈને વિવાદ

Text To Speech

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે કુલપતિના અધ્યક્ષ સ્થાને સિન્ડિકેટની મિટિંગ મળી હતી. ઈમર્જન્સીમાં બેઠક બોલાવતા સભ્યો પણ નારાજ થયા હતા. 27મીએ નોન ટીચિંગની ભરતી માટેની પરીક્ષા લેવાની મંજૂરી આપવાનો હતો. પરંતુ આ ભરતી પરીક્ષા કઈ તારીખે લેવાશે અને કઈ એજન્સી લેશે તે યુનિવર્સિટીના સત્તાધીશોએ બારોબાર નક્કી કરી નાખતા સિન્ડિકેટ સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. 27મીએ નોન ટીચિંગની ભરતી પરીક્ષા લેવાનો કોન્ટ્રાક્ટ જે એજન્સીને અપાયો છે તે એજન્સીના નામની પણ સિન્ડિકેટ સભ્યોને જાણ કરવામાં આવી ન હતી.

છેલ્લી ઘડીએ પરીક્ષા મોકૂફ રાખી
​​​​​​​આ ઉપરાંત ખાનગી એજન્સીએ અગાઉ કોઈ પરીક્ષા લીધી છે કે કેમ, સરકાર માન્ય છે કે કેમ, આ પરીક્ષા લેવાનો કેટલો ખર્ચ થશે, આ ખર્ચનું બજેટ ફાઇનાન્સ કમિટીમાં મંજૂર કરાયું છે કે કેમ આ તમામ બાબતો નક્કી કર્યા વિના ડાયરેક્ટ સિન્ડિકેટમાં મંજૂરી માટે એજન્ડા મુકાતા તમામ સિન્ડિકેટ સભ્યોએ આ બિનઅનુભવી એજન્સીને કરાર આપવાની મંજૂરી આપવા ઇનકાર કરી દેતા છેલ્લી ઘડીએ પરીક્ષા મોકૂફ રાખી હતી.

યુનિવર્સિટીમાં વિવાદોની લહેર
27મીથી ત્રણ દિવસ માટે નોન ટીચિંગની પરીક્ષા લેવા માટે જે એજન્સીને કામ આપ્યું છે તે એજન્સીનું નામ શું છે, સરકાર માન્ય છે કે કેમ? કાર્ય પદ્ધતિ શું છે? અગાઉ કેટલી પરીક્ષા લીધી છે? કેટલા પૈસામાં કામ અપાયું છે તે અંગે ખુદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને સિન્ડિકેટ સભ્યો પણ અજાણ હતા.

ટેક્નિકલ કારણોથી મોકૂફ, હવે સપ્ટેમ્બરમાં પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ કહ્યું કે, નોન ટીચિંગની પરીક્ષા કેટલાક ટેક્નિકલ કારણોસર મોકૂફ રાખી છે. કેટલાક નિયમો કે વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તેનો અભ્યાસ કરીને પછી લેવાશે. હવે પછી સંભવત: સપ્ટેમ્બર માસમાં આ પરીક્ષા લઈશું.

GTU, ગૌણ સેવા જેવી સરકારી સંસ્થા છતાં ખાનગીની પસંદગી
સ્પર્ધાત્મક સહિતની પરીક્ષા લેવા માટે સરકારની પોતાની સંસ્થા જેવી કે જીટીયુ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોવા છતાં યુનિવર્સિટીએ ખાનગી એજન્સીને નોન ટીચિંગની 54 જગ્યાની ભરતી માટેનો કોન્ટ્રાક્ટ આપી દેતા વિવાદ થયો છે અને સિન્ડિકેટમાં મંજૂરી નહીં મળતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી.

આર્થિક બાબતોમાં સરકારની મંજૂરી લેવાની સૂચના છતાં ન લીધી
અગાઉ રાજ્યની તમામ યુનિ.ને એક પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, યુનિવર્સિટીઓમાં કોઈપણ ભરતી કે અન્ય આર્થિક બાબતોની મંજૂરી આપતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી કે ધ્યાન દોરવું પડશે પરંતુ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બારોબાર ખાનગી એજન્સીને કામ સોંપી દીધું હતું.

Back to top button