અંબાલામાં પૂર્વ સૈનિકે પરિવારના પાંચ સભ્યોની નિપજાવી હત્યા
- બે એકર જમીનના વિવાદમાં ખેલાયો ખૂનીખેલ
- આરોપીએ હત્યા કર્યા બાદ મૃતદેહોને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો
- આરોપીને ઝડપી લેવા અલગ-અલગ ટિમો બનાવાઈ
અંબાલા, 22 જુલાઈ : હરિયાણાના અંબાલાના નારાયણગઢમાં ગઈકાલે રવિવારે રાત્રે એક પૂર્વ સૈનિકે જમીનના વિવાદને લઈને ઘરમાં હત્યાકાંડ સર્જ્યો હતો. નારાયણગઢના પીર માજરી રાતોર ગામમાં જમીન વિવાદને કારણે પૂર્વ સૈનિક ભૂષણે તેના ભાઈ, ભાભી, છ મહિનાના ભત્રીજા, 5 વર્ષની ભત્રીજી અને માતાનું ગળું કાપીને હત્યા નિપજાવતા ભારે અરેરાટી મચી જવા પામી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે આરોપીના પિતા ઓમ પ્રકાશે તેનો વિરોધ કર્યો તો તેણે તેને પણ માર માર્યો અને ઇજા પહોંચાડી. ભાઈની એક દીકરી ગંભીર રીતે ઘાયલ છે. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત પિતા નારાયણગઢ હોસ્પિટલમાં દાખલ
મૃતકોની ઓળખ 35 વર્ષીય હરીશ, તેની પત્ની 32 વર્ષીય સોનિયા, માતા 65 વર્ષીય સરોપી, પુત્રી 5 વર્ષની યાશિકા અને 6 મહિનાના પુત્ર મયંક તરીકે થઈ છે. ઈજાગ્રસ્ત પિતા ઓમપ્રકાશની નારાયણગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નારાયણગઢ પોલીસે તમામ મૃતદેહોને કેન્ટોનમેન્ટ સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતના પાટનગરમાં વેપારમાં નફાની લાલચે ફેક્ટરીના સંચાલક રૂ.33.35 લાખમાં છેતરાયા
એસપીએ ધરપકડ માટે ટીમો બનાવી
હત્યાની માહિતી મળ્યા બાદ અંબાલા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુરેન્દ્ર સિંહ ભૌરિયા રાત્રે 3 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા અને કેસની તપાસ શરૂ કરી. તેમજ હત્યારાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જે દરેક જગ્યાએ દરોડા પાડી રહી છે.
બે એકર જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો
કહેવાય છે કે બંને ભાઈઓ પાસે બે એકર જમીન હતી. જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ઘણા વર્ષો પછી બંને ભાઈઓ વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી. આરોપી તેની સામે અદાવત રાખતો હતો અને આ અદાવતમાં તેણે તેના ભાઈ, માતા અને તેની ભત્રીજી, ભત્રીજા અને ભાભીની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો : જો બાઈડન અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી ગયા, જુઓ કોને આપ્યું સમર્થન?