માજી સૈનિકો સીધી ભરતીમાં નિવૃતિના એક વર્ષ પહેલા કરી શકશે ઉમેદવારી, પરિપત્ર જાહેર

- ગુજરાત જાહેર સેવા આયોગ, અન્ય અધિકૃત ભરતી સંસ્થાઓ કે સત્તાધિકારી દ્વારા આયોજીત તમામ સીધી ભરતીની જગ્યાઓ પર થઈ શકશે ઉમેદવારી
ગાંધીનગર, 25 જાન્યુઆરી: રાજ્ય સરકાર દ્વારા માજી સૈનિકોની સીધી ભરતીમાં ઉમેદવારી કરવા અંગે છુટછાટ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. માજી સૈનિકોને સીધી ભરતીથી મળનારી નોકરીમાં નિવૃતિના એકવર્ષ પહેલા ઉમેદવારી કરી શકશે. જે સૈનિક એક વર્ષની અંદર નિવૃત થવાનો હોય તે સૈનિક એક વર્ષ પહેલા સીધી ભરતીમાં પોતાની ઉમેદવારી કરી શકે તેવી સ્પષ્ટતાઓ પ્રસિદ્ધ કરતો ઠરાવ કરવામાં આવ્યો છે. આ અગાઉ માજી સૈનિકો નિવૃત થયા બાદ પોતાની ઉમેદવારી કરી શકતા હતા જેમાં હવે નિવૃતિના છેલ્લા એક વર્ષ દરમિયાન ઉમેદવારી કરી શકશે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ કે અન્ય અધિકૃત ભરતી સંસ્થાઓ કે સત્તાધિકારી દ્વારા આયોજીત તમામ સીધી ભરતીની જગ્યાઓ પર માજી સૈનિકો નિવૃતિના એક વર્ષ પહેલા ઉમેદવારી કરી શકશે તેમ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.
ઠરાવમાં ભારત સરકારના ધી એક્સ સર્વિસમેન રૂલ, 1979 મુજબ માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત થનારા હોય તેવા માજી સૈનિક એક વર્ષ પહેલાં સીધી ભરતીમાં ઉમેદવારી કરવા તેમજ તેવા માજી સૈનિકોને એક્સ સર્વિસમેન તરીકે મળવાપાત્ર છુટછાટ અંગેની સ્પષ્ટતાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.


ઓજસ પોર્ટલ પર કરી શકાશે અરજી
રાજ્ય સરકારના ઓજસ પોર્ટલ પર કે અન્ય માધ્યમથી પ્રસિદ્ધ થતી જાહેરાતમાં માજી સૈનિકોની ઉમેદવારી સંબંધે ડ્યુ ટુ રીટાયર ઈન વન યર વિકલ્પ રાખવાનો રહેશે તેમજ નિવૃતીની તારીખ દર્શાવવાની રહેશે. સંબંધિત પસંદ થયેલા ઉમેદવારે આર્મ્સ ફોર્સ ઓફ ધ યુનિયનની છેલ્લા વર્ષની બાકી રહેલી સેવા-શરતો પરિપૂર્ણ થયા બાદ સંબંધિત નવી સેવામાં હાજર થવાનું રહેશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી શરૂ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે. ગ્રુપ A અને Bમાં વિવિધ 22 કેડરના ઉમેદવારોના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેનું ફોર્મ 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે. વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટે તો ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફીમાં ચારગણો વધારો !
જો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં ચારગણો વધારો કર્યો છે. ફોર્મ ભરનારા ઉમેદવારોએ 111 રૂપિયાના બદલે હવે 500 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્ધારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3ની 99 તો આંકડા મદદનીશ વર્ગ 3ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આંકડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે માટે 2 જાન્યુઆરીથી 16મી જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેમની રાહ હવે અંત આવ્યો છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.
આ પણ જુઓ :ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શને જશે