T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

વર્લ્ડ કપ ભારત જીતશે કહેતાની સાથેજ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર થયો ટ્રોલ

Text To Speech

29 મે, અમદાવાદ: પાકિસ્તાનીઓમાં ભારત પ્રત્યે કેટલી બધી નફરત છે તેની કોઈ સાબિતી આપવાની આમતો જરૂર નથી. પરંતુ વારંવાર એવા પ્રસંગો બનતા આવે છે જેને કારણે તેમની નફરત સામે આવી જતી હોય છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલને હાલમાં જ ભારત પ્રત્યેની નફરતનો કડવો અનુભવ સોશિયલ મીડિયા પર થઇ ગયો હતો.

હાલમાં ICC T20 World Cupનો ફીવર દરેક ક્રિકેટ ફેન્સના મનમાં ચડી રહ્યો છે. આવામાં ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાં આ વખતનો વર્લ્ડ કપ કોણ જીતશે તેની ચર્ચા થવી સ્વાભાવિક છે. જો આવી ડિબેટ ટીવી પર થતી હોય તો ભૂતપૂર્વ ખેલાડીઓ પણ પોતાના વ્યક્તિગત મંતવ્ય આપવામાંથી કેમ બાકાત રહી જાય?

બસ, આવી જ એક પરિસ્થિતિમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલ ટ્રોલર્સની ઝપટે ચડી ગયો હતો. કામરાન અકમલે પોતાના Instagram પર તેના ફેન્સ અને ફોલોઅર્સને કહ્યું હતું કે તમારે મને જે પૂછવું હોય તે પૂછો. હવે જ્યારે આવી ખુલ્લી ઓફર હોય તો ફેન્સ પણ કેમ પાછા પડે? આથી વિવિધ સવાલોના જથ્થામાં એક સવાલ એવો આવી ગયો જેનો જવાબ આપીને કામરાન અકમલ ફસાઈ ગયો હતો.

અકમલના એક ફોલોઅરે તેને પૂછ્યું હતું કે આ વખતના T20 World Cup માં ભારત-પાકિસ્તાનની મેચ કોણ જીતશે? તો અકમલે જવાબ આપ્યો હતો કે, ‘બીજું કોણ? ભારત!’ અને બસ અકમલના પાકિસ્તાની ફોલોઅર્સ ગુસ્સે થઇ ગયા હતા અને તેને ટ્રોલ કરવા માંડ્યા હતા.

એક ફોલોઅરે અકમલના જવાબ વિશે તેને કહ્યું હતું કે તમને ગાળો ખાવાનો બહુ શોખ લાગે છે. તો બીજા એક વ્યક્તિએ લખ્યું કે, એ તો ફાઈનલના દિવસે જ ખબર પડશે કે કોણ જીત્યું. તો કોઈ ત્રીજા ફોલોઅરે લખ્યું કે અકમલને પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમથી ઈર્ષા થાય છે એટલે તે આવો જવાબ આપી રહ્યો છે.

બાબર આઝમએ ઘણા ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓની ટીકાનો ભોગ બનતો આવ્યો છે. કામરાન અકમલ પણ આ ભૂતપૂર્વ ખેલાડીઓમાં સામેલ છે. બાબર આઝમની કપ્તાનીથી માંડીને તેની ધીમી સ્ટ્રાઈક રેટ આ તમામ બાબતે અકમલ ભૂતકાળમાં તેની આકરી ટીકા કરી ચૂક્યો છે.

આમ આ કારણોસર જો કામરાન અકમલને તેના જ ફોલોઅર્સ દ્વારા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હોય તો તેમાં આશ્ચર્યની વાત નથી.

Back to top button